અદાણી ફાઉન્ડેશન દ્વારા કોટવાળિયા સમાજને આત્મનિર્ભર બનાવવા માટે સાધન સહાય

અદાણી ફાઉન્ડેશન દ્વારા કોટવાળિયા સમાજને આત્મનિર્ભર બનાવવા માટે સાધન સહાય
દહેજ, ભરુચ તા.૧૬ : ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના આદિમ જૂથોને પાયાની સુવિધા મળે તેવું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગ વિસ્તારના હાથાકુંડી, વરખડી, જુનીપિંગોટ, મૌઝા, પુનપુજીયા, રૂપઘાટ, નવી જામુની વિસ્તારમાં કોટવાળિયા સહિત આદિમ જૂથના સાત ગામના 800 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા વાંસના કલાકારોને આત્મનિર્ભર બનાવવાના સતત ચાલતા કાર્યક્રમ હેઠળ વનધન વિકાસ કેન્દ્ર હાથાકુંડીના સભ્યોને સાધન સહાય આપવામાં આવી હતી.
અદાણી ફાઉન્ડેશન પાછલા એક વર્ષ ઉપરાંતથી ભરુચ અને સુરત જિલ્લાના વાંસના પરંપરાગત કલાકાર એવા કોટવાળિયા પરિવારને સરકારી યોજનાઓ સાથે જોડવાનું અને એમને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો કરી રહી છે. એના જ ભાગરૂપે વાંસની વિવિધ વસ્તુઓ બનાવતા વનધન વિકાસ કેન્દ્ર, હાથકુંડીના સભ્યોને એમનું કામ વધુ ગુણવત્તાસભર અને ઝડપી કરવા માટે કેટલાક મશીનની જરૂર હતી. અદાણી ફાઉન્ડેશન, દહેજની ટીમએ એમની આ જરૂરિયાતને સમજીને આ પરિવારની રૂબરૂ મુલાકાત પછી એમની વાંસકળાને વધુ સરળ અને નિખાર આપે એવા મશીનની સહાય આપવામાં આવી છે. વડાપ્રધાનના કોટવાળિયા સમાજ આર્થિક રીતે પગભર બની આત્મનિર્ભર બને એ વિઝનને પૂર્ણ કરવામાં અદાણી ફાઉન્ડેશન નિયમિત રીતે મદદરૂપ થઈ રહ્યું છે.