AVMAના વિદ્યાર્થીઓને અભિનેતા જ્હોન અબ્રાહમે આપી અમૂલ્ય સલાહ!

AVMAના વિદ્યાર્થીઓને અભિનેતા જ્હોન અબ્રાહમે આપી અમૂલ્ય સલાહ!
વિદ્યામંદિરની પ્રતિભાઓના અભિનેતાએ કર્યા ભારોભાર વખાણ
બુધવારે વિશ્વ રંગભૂમિ દિવસે (27-માર્ચ) ભારતીય રંગમંચના ખ્યાતનામ કલાકારે અદાણી વિદ્યામંદિરની મુલાકાત લીધી હતી. બોલીવુડ અભિનેતા જ્હોન અબ્રાહમે અમદાવાદ સ્થિત વિદ્યામંદિરની મુલાકાત લેતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. આ મુલાકાતમાં જ્હોને બાળકો સાથે વિવિધ મુદ્દે રસપ્રદ ચર્ચા-વિચારણા અને જીવનોપયોગી સલાહ-સૂચન કર્યા હતા. અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
અભિનેતા જ્હોન અબ્રાહમની મુલાકાત અદાણી વિદ્યામંદિરના બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયી રહી હતી. વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતમાં જ્હોને અભ્યાસેતર મુદ્દાઓ અને જીવનોપયોગી મૂલ્યોના અમૂલ્ય પાઠો શીખવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રામાણિકતાથી દેશના જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપી હતી. માત્ર મનુષ્યો જ નહી, પ્રાણીઓ સાથે પણ કરૂણાસભર વ્યહવાર કરવા તેમણે વિદ્યાર્થીઓને શીખામણ આપી હતી. વિદ્યાર્થીઓએ પણ આ પ્રસંગે રંગારંગ પ્રસ્તુતિ કરી સૌના મન મોહી લીધા હતા.
એક મૉડલથી રોલ મૉડલ સુધીની જ્હોનની સફર અનેક લોકો માટે ઉદાહરણીય છે. તે જીવનમાં શિક્ષણ અને કેળવણીનું મહત્વ તેમજ કર્મોની ભૂમિકાને ઉજાગર કરે છે. ગુજરાતી ભોજનને પ્રિય ગણાવતા જ્હોને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આહાર ઓછો નહીં, પરંતુ પ્રમાણસર અને આરોગ્યપ્રદ હોવો જોઈએ. એ જ સિદ્ધાંતને અનુસરી તેઓ ખાંડ અને મેંદાનું વધુ સેવન કરતા નથી. તેમણે બાળકોને સ્વાસ્થ્યપ્રદ અને અનુરૂપ ભોજન લેવાનો આગ્રહ કર્યો હતો.
બોલીવુડમાં જ્હોન તેની ફિટનેસ માટે ખુબ જાણીતા છે. યુવા સાથીઓને સ્મોકિંગ, માંસાહાર તથા આલ્કોહોલ ક્યારેય ના કરવા ભલામણ કરી હતી. AVMAના તમામ વિભાગો અને પ્રયોગશાળાની જાત મુલાકાત લઈ તેમણે તેની ભારોભાર પ્રસંશા કરી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉતકૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થી પ્રતિભાઓને પ્રમાણપત્રોથી નવાજવામાં આવી હતી.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET દ્વારા માન્યતા પ્રાપ્ત અમદાવાદની પ્રથમ ખાનગી શાળા AVMA કેટલીય પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકો અને સમાજમાં હકારાત્મક બદલાવ લાવવા પ્રયત્નશીલ છે.