હરિ ઓમ હરિ : ટાઈમ ટ્રાવેલ પર આધારિત ફિલ્મ, નવો કોન્સેપ્ટ, પરફેક્ટ એક્ઝિક્યુશન
જો ભગવાન તમને લાઈફની એક ભૂલ સુધારવાની ફરી તક આપે તો તમે કઈ ભૂલ સુધારો? જો ભૂતકાળનું જીવન બદલાની તક મળે તો? આવો જ કાંઈક અલગ કોન્સેપ્ટ દર્શાવતી ફિલ્મ “હરિ ઓમ હરિ”રિલીઝ થઈ ગઈ છે. દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે ફિલ્મ “હરિ ઓમ હરિ” કે જેનું તાજેતરમાં જ ગોવામાં યોજાયેલ “IFFI 2023″માં સ્ક્રીનિંગ પણ યોજાયું હતું.
વાર્તામાં બાળપણના ખાસ મિત્રો ઓમ (રોનક કામદાર) અને વિન્ની (વ્યોમા નાંદી) લગ્નના તાંતણે બંધાય છે. પરંતુ તેમની મિત્રતાની કેમેસ્ટ્રી લગ્નમાં કામ નથી કરતી. એવામાં ઓમની મુલાકાત તેની કોલેજ ફ્રેન્ડ માયરા (મલ્હાર રાઠોડ) સાથે થાય છે અને ઓમ અને વિન્ની ના લગ્નની વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે. ઓમને એક લેખક “હરિપ્રસાદ” (સિદ્ધાર્થ રાંદેરિયા) મળે છે અને ઓમના જીવનમાં શું બદલાવ આવે છે તે તો ફિલ્મ થકી જ જોવું રહ્યું.
સૌના લોકલાડીલા એવા સિદ્ધાર્થ રાંદેરિયા ફરી એકવાર તેમના કોમિક ટાઈમિંગના કારણે દર્શકોને આકર્ષશે. આ ફિલ્મમાં તેમનો અલગ જ અવતાર દર્શકોને જોવા મળશે. સિદ્ધાર્થ રાંદેરિયા સાથે મુખ્ય અભિનેતા રોનક કામદારની કેમેસ્ટ્રી દર્શકોને જકડી રાખશે. સાથે વ્યોમા નાંદી, મલ્હાર રાઠ ડ, શિવમ પારેખનો અદ્બુત અભિનય ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે. ઉપરાંત, રાગી જાની, શિવમ પારેખ, કલ્પેશ પટેલ, સંદીપ કુમાર તથા ભૂમિ રાજગોર સહિતના પ્રતિભાશાળી સહાયક કલાકારો પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. ડિરેક્ટર નિસર્ગ વૈદ્યની આ પ્રથમ ફિલ્મ છે પરંતુ તેમણે અદભુત કામગીરી દર્શાવી છે. પ્રોડ્યુસર સંજય છાબરિયાના એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટની આ ફિલ્મ ચોક્કસપણે દર્શકોને પસંદ આવશે. ફિલ્મની સ્ટારકાસ્ટનો દમદાર અભિનય, સિનેમોટોગ્રાફી, રમણીય લોકેશન્સ, કર્ણપ્રિય સંગીત અને ગીતો, અદભુત વીએફએક્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગ્રાફ વધુ ઊંચાઈ પર લઈ જાય છે. ટાઈમ ટ્રાવેલ પર આધારી ફિલ્મ “હરિ ઓમ હરિ”ની પ્રોડક્શન વેલ્યુ ઘણી છે.
ઓવરઓલ કહીએ તો ફેમિલી સાથે બેસીને મજા માણી શકાય તેવી પરફેક્ટ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે “હરિ ઓમ હરિ”. આ વર્ષની સફળ ફિલ્મોમાંની એક બની રહેશે.