ગુજરાત

નવસારીના ચિખલી ખાતે રાષ્ટ્રીય ‘આદિવાસી રાષ્ટ્રીય વ્યાપાર મેળો’ યોજાશે

  • નવસારીના ચિખલી ખાતે રાષ્ટ્રીય ‘આદિવાસી રાષ્ટ્રીય વ્યાપાર મેળો’ યોજાશે
  • વિવિધ સરકારી એકમો દ્વારા આદિવાસી નવયુવાનોને ઉદ્યોગ/ધંધા માટે માર્ગદર્શન અને રોજગારીની તક
  • ૨૪૦થી વધુ સ્ટોલ પર વિવિધ ચીજવસ્તુઓ અને આદિવાસી ખાન-પાનનું આકર્ષણ
  • ત્રિદિવસીય મેળામાં વિવિધ નિષ્ણાંતો દ્વારા સેમિનાર સાથે માર્ગદર્શન તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી

  • સમસ્ત આદિવાસી સમાજ, લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, આદિવાસી વિકાસ ક્રે. કો. સો. લિ. ફલધરા, સ્પર્શ ફાઉન્ડેશન-વ્યારાના સંયુક્ત ઉપક્રમે તા.૮ થી ૧૦ નવેમ્બર દરમિયાન નવસારી જિલ્લાના ચિખલી તાલુકા સ્થિત સુરખાઇ ઢોડિયા સમાજની વાડી ખાતે રાષ્ટ્રીય ‘આદિવાસી રાષ્ટ્રીય વ્યાપાર મેળો’ યોજાશે. આ કાર્યક્રમનો નો મુખ્ય ઉદ્દેશ્ય- આદિવાસી નવ યુવાનોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાનો અને રોજગારીની મહત્તમ તક પ્રદાન કરવાનો છે. જેનો પ્રારંભ તા.૮-૧૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ વાગે આદિજાતિ વિભાગના મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરના હસ્તે કરવામાં આવશે. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ મેળામાં અંદાજીત ૫૦ હજારથી વધુ લોકો ભાગીદાર બનશે.
    વિવિધ સરકારી એકમો દ્વારા આદિવાસી નવયુવાનોને ઉદ્યોગ/ધંધા માટે માર્ગદર્શન અને રોજગારીની તક આપતા મેળામાં ૨૪૦થી વધુ સ્ટોલ પર વિવિધ ચીજવસ્તુઓ સાથે આદિવાસી ખાન-પાનનું અનેરૂ આકર્ષણ રહેશે. ત્રિ-દિવસીય ટ્રેડ ફેર દરમ્યાન રોજબરોજ જુદા જુદા વિષયો પરત્વે સેમિનાર અને ટોક-શો રાખવામાં આવ્યા છે. તા.૯/૧૧/૨૦૨૪ના રોજ સાંજે ૫-૦૦ વાગે જાણીતા આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકરશ્રી જય વસાવડા પ્રભાવશાળી પ્રવચન આપશે.
    આદિવાસી સમાજના વિવિધ ક્ષેત્રોમાં વેપાર-ધંધા કરનાર ઉદ્યમીઓ પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને શિક્ષિત બેરોજગારો સ્વરોજગારી ઉભી કરીને પોતાને સ્વાવલંબી બનાવી શકે તેના માટે ટ્રેડ ફેરના આયોજકો દ્વારા રોજગારી ક્ષેત્રે કામ કરતા સરકારી એકમો જેવાંકે MSME, CDE, જીલ્લા રોજગાર કેન્દ્રો તથા ખેતીવાડી વિભાગ,બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ દ્વારા આર્થિક સ્વાવલંબન માટેની સરકારશ્રીની યોજનાઓ તથા તે માટે મળવાપાત્ર સહાય અને વ્યાપાર-ધંધો શરૂ કરવા માટે આર્થિક સાધનો ઉભાં કરવા માટે બેન્કો પૈકી લીડ બેન્ક,નાબાર્ડ વગેરે દ્વારા લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
    ખેડૂતોને ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે FPO,FPC જેવી ખેડૂતો થકી શરૂ કરવાની સંસ્થાઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ટ્રેડફેરમાં ત્રણ દિવસ રાત્રિના ૮ થી ૧૧ વાગ્યા સુધી વિવિધ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા.૮મીએ વસાવા, ચૌધરી, ગામીત, ઢોડિયા, હળપતિ સમાજના નૃત્યો, તા.૯ મીએ દાહોદ, ગોધરા, સાબરકાંઠા ડુંગરી ગરાસિયા, બામણીયા સમાજ તલવાર ટીમલી નૃત્ય, કુંકણા સમાજનું નૃત્ય અને તા.૧૦ મીએ ઘેરૈયા નૃત્ય મંડળીની રમઝટ જામશે.
    ત્રિદવસીય ટ્રાયબલ ટ્રેડ ફેરમાં રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી અને માંડવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી કુંવરજીભાઇ હળપતિ, વલસાડના સાંસદ શ્રી ધવલભાઇ પટેલ, વિધાનસભાના માન.ઉપદંડક અને ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ, ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, મહુવા ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, કપરાડા ધારાસભ્ય અને પૂર્વ રાજયકક્ષાના સિંચાઇ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી, વાંસદા ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો.તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ સાંસદ અને સુમુલ ડેરી, મહુવા સુગર અને વ્યારા સુગર ફેકટરીના ચેરમેનશ્રી માનસિંહભાઇ પટેલ, , વસુધારા ડેરીના ચેરમેનશ્રી ગમનભાઇ પટેલ, નવસારી જિલ્લા કલેકટર શ્રીમતિ ક્ષીપ્રા અગ્રે, નવસારી જિલ્લા પોલીસ વડાશ્રી સુશીલ અગ્રવાલ, આદિવાસી સમાજના જાણીતા ઉદ્યોગપતિશ્રી ચંપકભાઇ વાડવા, આદિવાસી સમાજના યુવા ઉદ્યોગ સાહસિહકશ્રી તેજસભાઇ પટેલ (ટેક સન બાયો,ગ્રીન એનરજી સોલ્યુશન), આદિવાસી સમાજના જુદા જુદા સમુદાયના પ્રમુખશ્રીઓ, નિવૃત અને કાર્યરત ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button