વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર પાકની નુકસાની માટે ૧૬ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર પાકની નુકસાની માટે ૧૬ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો
ડાંગર પાકનો કુલ વિસ્તાર ૭૪૫૭૬.૦૦ હેકટર જે પૈકી ૧૯૧૨૬.૦૦ હેકટરમાં ડાંગરની કાપણી થઈ
દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો વધુ વરસાદ ધરાવતા ઝોનમાં આવે છે. વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુનો મુખ્ય પાક ડાંગર ગણાય છે. ચાલુ વર્ષ દરમિયાન ડાંગર પાકનો કુલ વિસ્તાર ૭૪૫૭૬.૦૦ હેકટર છે. તે પૈકી પ્રાથમિક અંદાજ મુજબ ૧૯૧૨૬.૦૦ હેકટર કાપણી થઈ ગઈ છે. આ દરમિયાન વલસાડ જિલ્લામાં ઓક્ટોબર- ૨૦૨૫ મહિનાના અંતિમ અઠવાડિયામાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ડાંગરનો ઉભો પાક તેમજ કાપણી થયેલો પાક પલળી જવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકશાન થવાની ભીતિ છે. જે ધ્યાને લઇ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલી સૂચનાને આધારે પાક નુકશાનીનો પ્રાથમિક અંદાજ કાઢવા માટે જિલ્લામાં કુલ ૧૬ સર્વે ટીમની રચના કરવામાં આવી છે. જેથી પાક નુકશાનીનો સર્વે કરાવી વિગતવાર માહિતી મેળવવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.



