ગુજરાત

સુરતમાં અન્યાય અને ભેદભાવ સામે ગુંજશે અવાજ: ૧૨ એપ્રિલે કુણાલ સોનવણેના નેતૃત્વમાં નીકળશે ‘સામાજિક ન્યાય યાત્રા’

સુરતમાં અન્યાય અને ભેદભાવ સામે ગુંજશે અવાજ: ૧૨ એપ્રિલે કુણાલ સોનવણેના નેતૃત્વમાં નીકળશે ‘સામાજિક ન્યાય યાત્રા’
સામાજિક સમાનતા અને હકોની માંગ સાથે સ્વાભિમાની આંબેડકરી સમાજ દ્વારા આવનારા 12 એપ્રિલે સવારે 10 વાગ્યે સુરત શહેરમાં ભવ્ય ‘સામાજિક ન્યાય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું નેતૃત્વ સમાજના યુવા આગેવાન કુણાલ સોનવણે કરશે અને તેમાં મહિલાઓ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।
આ અંગે માહિતી આપતા આયોજક કુણાલ સોનવણે જણાવ્યું હતું કે, આ યાત્રા કોઈ રાજકીય હેતુ કે સત્તા મેળવવા માટે નહીં, પરંતુ સમાજમાં વ્યાપક બનેલા ભેદભાવ સામે એક જાગૃતિ અભિયાન છે. તેમણે ઉમેર્યું કે, સ્વતંત્રતા મેળવ્યા બાદ દાયકાઓ વીતી ગયા હોવા છતાં સુરત શહેર તેમજ ડિંડોલી વિસ્તારમાં તેમના સમાજના લોકો સાથે હજુ પણ અન્યાય અને અસમાનતા વર્તાઈ રહી છે।
તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘણા વિસ્તારોમાં તેમના સમાજના લોકોને ભાડે મકાન મળતું નથી તેમજ મકાન ખરીદવામાં પણ અવરોધો ઉભા કરવામાં આવે છે. માત્ર ‘જય ભીમ’ બોલવાના કારણે પણ લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે।
સોનવણેએ આ પરિસ્થિતિને ભારતીય બંધારણના સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂળભૂત સિદ્ધાંતોના ઉલ્લંઘન સમાન ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, આ ‘સામાજિક ન્યાય યાત્રા’ દ્વારા અન્યાય વિરુદ્ધ મજબૂત સંદેશ આપવામાં આવશે અને સમાજમાં સમાનતાની ભાવના મજબૂત બનશે।
આ યાત્રા રિંગ રોડ સ્થિત માન દરવાજા પાસે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી પ્રારંભ થશે અને ડિંડોલી પોલીસ સ્ટેશન નજીક આવેલા પ્રાયોસા સ્ટાર સર્કલ સુધી પહોંચશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button