વ્યાપાર

સોનપ્રયાગ-કેદારનાથ વચ્ચે પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસને LoA મળ્યો

સોનપ્રયાગ-કેદારનાથ વચ્ચે પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસને LoA મળ્યો

અમદાવાદ : અદાણી સમૂહની કંપનીઓના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ને સોનપ્રયાગને કેદારનાથ સાથે જોડતા પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પના નિર્માણ માટે નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિ. તરફથી લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ પ્રકલ્પ અદાણી એન્ટરપ્રાઇઝિસના રોડ, મેટ્રો, રેલ અને વોટર (RMRW) વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.

૧૨.૯ કિમીનો આ રોપવે પ્રકલ્પ કાર્યાન્વિત થયા બાદ મુસાફરીનો સમય ૯ કલાકના વિકટ ટ્રેકથી ઘટીને માત્ર ૩૬ મિનિટનો થવા સાથે આ પવિત્ર યાત્રા ઘણી સરળ અને સલામત બનશે. આ રોપવે પ્રતિ કલાકે ૧,૮૦૦ મુસાફરોનું પરિવહન કરવા સક્ષમ બનવાથી દર વર્ષે કેદારનાથની યાત્રાએ આવતા અંદાજે ૨૦ લાખ યાત્રાળુઓને સેવા પૂરી પાડશે. સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચેના તેના પ્રથમ રોપવે પ્રોજેક્ટમાં કંપની રુ.૪,૦૮૧ કરોડનું રોકાણ કરશે.

અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું કેદારનાથ રોપવે ઇજનેરી પ્રકલ્પથી વિશેષ તે શ્રધ્ધાભાવ અને આધુનિક માળખાગત સુવિધાઓ વચ્ચેનો સેતુ છે. તેમણે કહ્યું કે આ પવિત્ર યાત્રાને વધુ સુરક્ષિત, ઝડપી અને સુલભ બનાવીને અમે નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ અને ઉત્તરાખંડ સરકાર સાથેની અમારી ભાગીદારી મારફત ઉત્તરાખંડના નાગરિકો માટે નવી તકોનું સર્જન કરવા સાથે લાખો શ્રધ્ધાળુઓના શ્રદ્ધાભાવનું સન્માન કરીએ છીએ. આવા પ્રતિષ્ઠિત પ્રકલ્પ ફક્ત રાષ્ટ્રની સેવા જ નહીં પરંતુ તેના લોકોનું પણ ઉત્થાન કરે એવી માળખાકીય સુવિધાઓના નિર્માણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને અભિવ્યક્ત કરે છે.

પર્વતમાળા પરિયોજનાના રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમનો આ રોપવે એક ભાગ છે. નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિ. સાથે આવકની વહેંચણી આધારિત જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ધોરણે વિકસાવવામાં આવનાર આ પ્રકલ્પ છ વર્ષમાં પૂર્ણ થયા બાદ અદાણી એન્ટરપ્રાઇઝ ૨૯ વર્ષ સુધી તેનું સંચાલન કરશે. આ પ્રકલ્પથી રોજગારીની તક સહિત પ્રદેશમાં પ્રવાસનને વેગ આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button