ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત આંગણવાડીનું ઇ-લોકર્પણ થયું

ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત આંગણવાડીનું ઇ-લોકર્પણ થયું
સુરત જિલ્લાના ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશનની આંગણવાડી પુનઃનિર્માણ, કુદરતી ખેતી અને જીવનોપાર્જન વિકાસ તરફ સશક્ત પહેલ
– ગ્રામીણ વિકાસમાં સરકાર અને સંસ્થાઓ વચ્ચેના સમન્વયથી અનેક કામ થઈ શકે

સુરત : સુરત જિલ્લાના આદિજાતિ બહુલ ઉમરપાડા તાલુકામાં ગ્રામ વિકાસને નવો વેગ આપતી એક મહત્વપૂર્ણ પહેલ તાજેતરમાં સાકાર થઈ. જિલ્લા પંચાયત સુરત દ્વારા યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના રાજ્યસ્તરીય કાર્યક્રમ દરમિયાન અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ (IAS) સહિતના અધિકારીઓ, સરપંચો અને ૭૦૦થી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા તાલુકાના પિનપુર, શરદા, ઝુમાવાડી, વક્રાંતઆંબા, સેવલાણ અને સટવાણ—આ છ ગામોની આંગણવાડીનો આધુનિક ધોરણે પુનઃનિર્માણ કરવામાં આવ્યો છે. બાલા (Building as Learning Aid) આધારિત શૈક્ષણિક ચિત્રો, રંગબેરંગી દિવાલો, સુરક્ષિત માળખું અને સ્વચ્છતા આધારિત સુવિધાઓએ આ કેન્દ્રોને બાળકો માટે વધુ પ્રેરણાદાયી અને શીખવા-રમવા યોગ્ય બનાવી દીધા છે. નવનિર્મિત આંગણવાડીઓમાં સ્વચ્છતા, સુરક્ષા અને શૈક્ષણિક માહોલ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે અનુકૂળ સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન અદાણી ફાઉન્ડેશનના ઈમ્પેક્ટ રિપોર્ટમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન, સોલાર સિંચાઈ સહાયતા દ્વારા ખેડૂતોને પાણીની સુલભતા, આદિવાસીઓમાં આદિમજૂથમાં આવતા કોટવાળીયા સમાજ માટે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને એમના માટે આવકવર્ધક સહાયતા, સ્વસહાય જૂથો (SHG) માટે રોજગારલક્ષી પ્રવૃત્તિઓ અને પશુપાલન આધારિત જીવનોપાર્જન મજબૂત બનાવવા માટેના પ્રયત્નોનો સમાવેશ થાય છે.
જિલ્લા વિકાસ અધિકારી અને સ્થાનિક નેતાઓએ સંયુક્ત રીતે સમાજ વિકાસ માટે સરકાર અને ખાનગી સંસ્થાઓ વચ્ચેના સહકારને આવશ્યક ગણાવ્યો. તેમણે ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સતત સામાજિક વિકાસ પ્રયાસોની જાહેરમાં પ્રશંસા કરી. આ પહેલથી આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને જીવનોપાર્જનમાં સુધારો થશે એવો વિશ્વાસ સમગ્ર ઉમરપાડાના લોકોએ વ્યક્ત કર્યો. ઉમરપાડા તથા આસપાસના આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, કુદરતી ખેતી અને આજીવિકા ઉપાર્જન સુધારણા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સરકાર અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી ગ્રામ વિકાસને નવી દિશા મળતી હોવાનો વિશ્વાસ કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોએલ , જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ તથા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ પોતાના સંબોધનમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા વિસ્તારમાં હાથ ધરવામાં આવતી વિવિધ સામાજિક વિકાસ પ્રવૃત્તિઓ અને સતત પ્રયાસોની જાહેર પ્રશંસા કરી હતી.


