અદાણી ગ્રૂપની પેટ્રોકેમિકલ સેક્ટરમાં એન્ટ્રી, ઈન્ડોરમા સાથે સંયુક્ત સાહસ

અદાણી ગ્રૂપની પેટ્રોકેમિકલ સેક્ટરમાં એન્ટ્રી, ઈન્ડોરમા સાથે સંયુક્ત સાહસ
VPL ની પ્રાથમિકતા રિફાઇનરી, પેટ્રોકેમિકલ અને કેમિકલ બિઝનેસની સ્થાપના
અદાણી ગ્રુપ હવે પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રવેશવા જઈ રહ્યું છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથે થાઈલેન્ડની ઈન્ડોરમા રિસોર્સિસ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડે ઇન્ડોરમા રિસોર્સિસ લિમિટેડ સાથે કરેલા સંયુક્ત સાહસને વેલોર પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (VPL) નામ આપવામાં આવ્યું છે. આ સંયુક્ત સાહસમાં અદાણી પેટ્રોકેમિકલ્સ અને ઈન્ડોરમાનો 50-50 ટકા હિસ્સો રહેશે.
વેલોર પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (VPL) નું પ્રાથમિક કાર્ય રિફાઇનરી, પેટ્રોકેમિકલ અને કેમિકલ બિઝનેસની સ્થાપના કરવાનું છે. અદાણી પેટ્રોકેમિકલ્સની સ્થાપના રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, વિશેષ રાસાયણિક એકમો અને હાઇડ્રોજન પ્લાન્ટ્સ વિકસાવવા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સ બહુવિધ તબક્કામાં શરૂ કરવાની યોજના ધરાવે છે. અદાણી ગ્રુપે બંદરો અને ઉર્જા ક્ષેત્રને લગતા વ્યવસાય ઉપરાંત આ ક્ષેત્રમાં વિસ્તરણ કરવાના ઉદ્દેશ્ય સાથે આ પગલું ભર્યું છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ 2022માં કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ ગુજરાતમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાં $4 બિલિયનથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કામાં 2026 સુધીમાં 1 મિલિયન ટનનો પીવીસી પ્લાન્ટ વિકસાવવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં સમાન ક્ષમતાનું એક યુનિટ 2027 ની શરૂઆતમાં કાર્યરત કરવામાં આવશે.
અદાણી પેટ્રોકેમિકલ્સ ગુજરાતના મુન્દ્રામાં પેટ્રોકેમિકલ ક્લસ્ટર વિકસાવી રહી છે, જેમાં પીવીસી પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્લાન્ટની કુલ કિંમત આશરે રૂ. 35,000 કરોડ હોવાનો અંદાજ છે, તે ભારતની સૌથી મોટી પીવીસી ઉત્પાદન સુવિધા હોવાનું માનવામાં આવે છે. મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ લિમિટેડને 2021માં ગુજરાતના કચ્છ જિલ્લામાં ગ્રીનફિલ્ડ કોલ-ટુ-પીવીસી પ્લાન્ટ સ્થાપવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરવામાં આવી હતી.
અદાણી ગ્રૂપે અગાઉ જર્મન કેમિકલ જાયન્ટ BASF સાથે ગુજરાતના મુન્દ્રામાં કેમિકલ ફેક્ટરી સ્થાપવા માટે ભાગીદારી કરી હતી. જેમાં વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા પવન અને સૌર પાવર પ્લાન્ટની સુવિધા પણ વિકસાવવામાં આવશે.
દેશની સૌથી મોટી બિઝનેસ ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુટિલિટી, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઉદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરે છે.