સુરત શહેર-જિલ્લાની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓમાં ૧૦૦ % પરિણામ પ્રાપ્ત કરનારી ૩૪૧ શાળાઓના આચાર્ય અને શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

સુરત શહેર-જિલ્લાની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓમાં ૧૦૦ % પરિણામ પ્રાપ્ત કરનારી ૩૪૧ શાળાઓના આચાર્ય અને શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે
વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર અને ટેકનોલોજી પર ભાર મુકવાનો અનુરોધ કરતા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સુરત શહેર-જિલ્લાની ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરનારી ૩૪૧ શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકોના સન્માન સમારોહ પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સુરત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.૧૦ની ૧૦૮, ધો.૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની ૧૭૦, CBSE બોર્ડની ધો.૧૦ ની ૩૮ અને ધો.૧૨ની ૨૧ તેમજ CISCE બોર્ડની બે શાળાઓ મળી ૧૦૦ % પરિણામ પ્રાપ્ત કરનારી ૩૪૧ શાળાઓના આચાર્યો અને શિક્ષકોને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, ૧૦૦ ટકા પરિણામ માત્ર એક આંકડો નથી, પરંતુ તે શિક્ષકોની નિષ્ઠા, સતત મહેનત અને વિદ્યાર્થીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે. એક શિક્ષક દરેક વિદ્યાર્થી સફળ બને તેવી ભાવનાથી માર્ગદર્શન આપે છે અને તેની મહેનતના પરિણામે ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે, પરંતુ પરિણામ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ બાબત વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આજના બદલાતા સમયમાં ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બન્યું છે. દરરોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે નવા ફેરફારો થઈ રહ્યા છે અને એન્ટ્રી લેવલની નોકરીઓ સામે પડકારો ઊભા થઈ રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે વ્યવહારું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું અનિવાર્ય બન્યું છે. શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું મહત્વપૂર્ણ કાર્ય શિક્ષકોએ જ કરવાનું છે. જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષકોને સરળતાથી સ્વીકારે છે, ત્યારે શિક્ષકના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થવું અત્યંત જરૂરી છે.
આ પ્રસંગે શિક્ષણ અને શિસ્તના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપતાં સુરત જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. શિક્ષકોની અવિરત મહેનત અને સમર્પણના પરિણામે જ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. એક પણ વિદ્યાર્થી નિષ્ફળ ન થાય તે માટે શિક્ષકોએ કરેલા પ્રયત્નો ખરેખર સરાહનીય છે. રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં શિક્ષકો એક મહત્વપૂર્ણ સાંકળ તરીકે કાર્ય કરે છે. સુરત જિલ્લા ટીમ દ્વારા બાળકો પરીક્ષામાં વધુ સારો દેખાવ કરી શકે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકોને પોલીસથી ડરવું નહીં, પરંતુ પોલીસને પોતાનો મિત્ર માનવો જોઈએ. પોલીસ અને બાળકો વચ્ચે વધુ સંપર્ક અને વિશ્વાસ વધે તે માટે અનેક જાગૃતિપૂર્ણ અને માર્ગદર્શનાત્મક કાર્યક્રમો સતત યોજાતા રહે તે જરૂરી છે
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, શાળાના ટ્રસ્ટીશ્રીઓ, શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષકો, આચાર્યશ્રીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


