ફાર્મા અને હેલ્થ કેર ટ્રેનિંગ માટેના ક્રાંતિકારી પ્રોગ્રામ શરુ કરવા ગણપતિ યુનિવર્સિટી અને “પેજ” ફાઉન્ડેશન વચ્ચે થયા એમ.ઓ.યુ. સાઈન !

ફાર્મા અને હેલ્થ કેર ટ્રેનિંગ માટેના ક્રાંતિકારી પ્રોગ્રામ શરુ કરવા ગણપતિ યુનિવર્સિટી અને “પેજ” ફાઉન્ડેશન વચ્ચે થયા એમ.ઓ.યુ. સાઈન !
ફાર્મા ઉદ્યોગ અને શિક્ષણના નિષ્ણાતો એક મંચ ઉપર ભેગા થતાં ” કોલોબોરેટીવ લર્નિંગ ” અને ” સ્કિલ ડેવલપમેન્ટ “ના એક નવા જ યુગનો પ્રારંભ થઇ શકે છે !
ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની માંગ અને ફાર્મા એજ્યુકેશનના શ્રેષ્ઠ શૈક્ષણિક વાસ્તવ વચ્ચેના અંતરને ઓછું કરવાની ઉદ્દાત ભાવના સાથે તાજેતરમાં ગણપત યુનિવર્સિટી અને ફાઉન્ડેશન ઑફ ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એકસેલન્સ ( PAGE ) વચ્ચે એક MOU સાઈન થયું હતું. ફાર્મા અને હેલ્થકેર એજ્યુકેશન દ્વારા વૈશ્વિક ફાર્મા ઉદ્યોગના ઉચ્ચ ધોરણોને અનુસરીને વિવિધ તાલીમી અભ્યાસક્રમો – પ્રોગ્રામ્સ ઓફર કરવાનો આ એમ.ઓ.યુ. ( MOU )નો હેતુ છે.
આ એમ.ઓ.યુ. સાઈનિંગ સેરેમનીના અવસરે
ફાર્મા-એજ્યુકેશન અને
ફાર્મા-ઇન્ડસ્ટ્રી બંનેના સુપ્રતિષ્ઠિત મહાનુભાવો એક મંચ ઉપર ભેગા થયા હતા, જેના પરિણામે
” કોલોબોરેટિવ લર્નિંગ ” અને
” સ્કીલ ડેવલપમેન્ટ “ના એક નવા યુગનો પ્રારંભ થઈ શકે છે.
ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્માએ આ અવસરને વધાવતા કહ્યું હતું કે,
” વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની જરૂરિયાતોને અમે યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં સાંકળવા માટે પ્રતિબધ્ધ છીએ. ”
એમણે વધુમાં ઉમેર્યું હતું કે
” પેજ ” ( PAGE )સાથેનું અમારું આ જોડાણ એ ફાર્મા ઉદ્યોગના વિકાસમાં પોતાનું મૂલ્યવાન પ્રદાન અર્પી શકે તેવા વ્યવસાયિકો તૈયાર કરી આપવાના અમારા સંકલ્પનું દ્યોતક છે. આ વ્યવસાયિકો ફાર્મા સેક્ટરની જરૂરિયાતો સંતોષવા પૂરેપૂરા સજ્જ હશે. ”
ફાર્મા એજ્યુકેશનના વિદ્યાર્થીઓ માટે જરૂરી અનુભવની તકો, નિષ્ણાતોના માર્ગદર્શન માટેના સત્રો અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં સીધા કામ કરવાનો અનુભવ…આ બધું આ સહયોગ દ્વારા સુલભ બનશે. ભારતના ઝડપથી વિકાસ પામી રહેલા ફાર્મા ઉદ્યોગની કુશળ વ્યવસાયિકો માટેની જરૂરિયાત પૂરી કરવાની કોશિશ પણ આ એમ.ઓ.યુ. દ્વારા થશે.
પેજ ( PAGE )ના ડાયરેક્ટર શ્રી અમિતાવ સાહાએ પરસ્પર બંને પક્ષોને મળનારા લાભને ધ્યાને લઈને જણાવ્યું કે ગણપત યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતાને પેજ( PAGE )ની ઔદ્યોગિક નિપુણતા સાથે જોડીને આપણે એક એવી એક
” ઈકો સિસ્ટમ “નું સર્જન કરીએ છીએ જેના દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારિક કૌશલ્ય પ્રાપ્ત થાય છે તો ફાર્મા ઉદ્યોગને ઉચ્ચ કક્ષાના તાલીમબધ્ધ વ્યવસાયિકો તૈયાર મળે છે.
આ એમ.ઓ. યુ. સાઇનિંગ સેરેમનીમાં શિક્ષણ ક્ષેત્રના અને ફાર્મા ઉદ્યોગના અનેક નિષ્ણાત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્મા, ” પેજ “ના ડાયરેક્ટર શ્રી અમિતાવ સાહા, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન- ( આઈપીએ )ના સીનિયર ટેકનિકલ એડવાઈઝર ડૉ. શ્રી રાજીવ દેસાઈ, “પેજ “ના પ્રોગ્રામ મેનેજર શ્રી અનિકેત આનંદ, ફ્રીલાન્સ કન્સલ્ટન્ટ એન્ડ એડવાઈઝર શ્રી પ્રણવ જોગાણી, શૈક્ષણિક અગ્રણીઓ – ગણપત યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર ડો. આર. કે. પટેલ, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. શ્રી ગિરીશ પટેલ, ફાર્મસી અને સાયન્સ ફેકલ્ટીના એક્ઝિકયુટીવ ડીન પ્રો. ડૉ. શ્રી પ્રફુલ ભારડિયા, એસ.કે પટેલ ફાર્મસી કોલેજના આચાર્ય પ્રો. ડૉ. શ્રી પી.યુ.પટેલ તેમજ સાયન્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. કેયુર ભટ્ટ સહિત અનેક આદરણીય મહાનુભાવોનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન ( IPA )ના સીનિયર ટેકનિકલ એડવાઇઝર ડો. શ્રી રાજીવ દેસાઈએ પણ આ એમ. ઓ. યુ.ની ઉપયોગીતાને બહુ મહત્વની ગણાવી હતી.