ગરીબ કલ્યાણ અન્ન યોજના ૮૧ કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે : નરેન્દ્ર મોદી

ગરીબ કલ્યાણ અન્ન યોજના ૮૧ કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે : નરેન્દ્ર મોદી
અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનથી તુષ્ટિકરણ નહીં, સંતુષ્ટિકરણની ભાવના ઉજાગર થઈ છે, કેન્દ્ર સરકારનું લક્ષ્ય દેશના દરેક પરિવારોને પર્યાપ્ત પોષણ પ્રદાન કરી દેશને એનીમિયા અને કુપોષણથી મુક્ત બનાવવાનું છે, સાચી નિયત અને નીતિથી યોજના બને તો ગરીબો, જરૂરિયાતમંદોને હકનો લાભ અવશ્ય મળે છે
સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.
”કર્મ, દાન અને જનસેવામાં હંમેશા આગળ રહેતા સુરતના ‘સુરતી સ્પિરિટ’ના દર્શન આજે વંચિત અને ગરીબ વર્ગોના ભલા માટેના સેવાકાર્યમાં પણ જોવા મળ્યા છે. અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન દ્વારા સુરત જરૂરિયાતમંદ નાગરિકોના પોષણ અને ભોજનની કાળજી લેવામાં પણ આગળ નીકળ્યું છે. આ પ્રયાસમાં તુષ્ટિકરણ નહીં, સંતુષ્ટિકરણની ભાવના ઉજાગર થઈ છે” તેમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યના અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારની પેન્શન સહાય મેળવતા ‘અગ્રતા ધરાવતા કુટુંબ’ (Priority Household-PHH) તરીકે વડીલો, દિવ્યાંગજનો અને ગંગાસ્વરૂપા માતાઓ-બહેનોની સાથોસાથ અતિ વંચિત ગરીબ પરિવારના નાગરિકોને તેમની ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ- NFSA હેઠળ વડાપ્રધાનશ્રીના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની સાથે ખૂલ્લી જીપમાં સવાર થઈને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ લાભાર્થીઓને PMGKAYના લાભના પ્રતીકરૂપે અનાજની કીટ્સનું વિતરણ કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ પાત્રતા ધરાવતા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના તેમજ અન્ય ગરીબ પરિવારોને PMGKAY યોજના હેઠળ એક જ સમયે, એકસાથે સામૂહિક રીતે લાભાન્વિત કરવાની જિલ્લા વહીવટીતંત્રની પહેલની સરાહના કરતા જણાવ્યું કે, સરકાર લાભાર્થીના ઘરના દરવાજે સામે ચાલીને જાય છે ત્યારે કોઈ જરૂરિયાતમંદ બરહી જતા નથી હોતા. કોઈ ભેદભાવ વિના સૌને પોતાના હકો પ્રાપ્ત થાય છે અને ‘ન કોઈ છૂટે ન રૂઠે’નો સંતોષ મળે છે. સાચી નિયત અને નીતિથી યોજના બને તો ગરીબો, જરૂરિયાતમંદોને હકનો લાભ અવશ્ય મળે છે એ વાત આ અભિયાનથી સાબિત થઈ છે.