જિલ્લા પંચાયત-પીપલોદ ખાતે ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીથી રક્ષણ આપતા કાયદા’ વિષે માર્ગદર્શન સેમિનાર

Surat News: જિલ્લા પંચાયત-પીપલોદ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીથી રક્ષણ આપતા કાયદા’ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સુરત જિલ્લા અને તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં રચાયેલી આંતરિક સમિતિના અધ્યક્ષો અને સભ્યોને ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી.
આ પ્રસંગે એડવોકેટ ડૉ. હેતલ રામાણીએ કામકાજના સ્થળે મહિલા સંરક્ષણ માટેના કાયદાઓ વિષે માહિતી આપી. તેમણે સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રે કામકાજ કરતી મહિલાઓને શારીરિક, માનસિક કે જાતીય શોષણ સામે રક્ષણ આપતા કાયદાઓ, જેમ કે POSH ACTની ચર્ચા કરી. આ ઉપરાંત, કાર્યસ્થળે સતામણી વિરુદ્ધ ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા માટેની વિગતો પણ આપી.
સેમિનારમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાંચના એસીપી મિની જોસેફે વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડ અંગે સમજ આપી. તેમણે સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો અને તેની અટકાયત કે ઉપાય અંગે ઉપયોગી માહિતી પૂરી પાડી. તેમજ દરેકને કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડ અંગે તાત્કાલિક 1930-ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવવા અને અન્ય ભોગ બનનારને માટે પ્રોત્સાહન કરવાનો અનુરોધ કર્યો.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી રાધિકા બેન ગામિત, ICDS પ્રોગ્રામ ઑફિસર કોમલબેન ઠાકોર, દહેજ પ્રતિબંધક અધિકારી ડી.પી. વસાવા, મહિલા અને બાળ વિભાગના કો-ઓર્ડિનેટર સ્મિતાબેન પટેલ અને જિલ્લા-તાલુકા કચેરીઓના આંતરિક સમિતિના અધ્યક્ષ/સભ્યો સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહ્યા.