નવી સિવિલ ખાતે નિર્વા હર્ષ સંઘવીના જન્મદિનની સેવાસભર ઉજવણી:પ્રથમવાર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના બાળ દર્દીને અદ્યતન EV વ્હીલચેર અર્પણ

નવી સિવિલ ખાતે નિર્વા હર્ષ સંઘવીના જન્મદિનની સેવાસભર ઉજવણી:પ્રથમવાર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના બાળ દર્દીને અદ્યતન EV વ્હીલચેર અર્પણ
બાળકોને રમકડાં, બિસ્કીટ તેમજ ધાત્રીઓને બ્લેન્કેટ અને હાઈજેનીક કીટનું વિતરણ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની દીકરી નિર્વા સંઘવીએ નવી સિવિલ ખાતે જન્મદિનની સેવાસભર ઉજવણી કરી હતી. તેમણે સિવિલમાં દાખલ બાળ દર્દીઓને રમકડા, બિસ્કીટ તેમજ ધાત્રીઓને બ્લેન્કેટ, હાઈજેનીક કીટ અને ૬ મહિનાના શિશુઓ માટે કપડાંની કીટનું વિતરણ કર્યું હતું. સાથે જ પ્રથમ વખત ડિસ્ટ્રોફીના બાળ દર્દીને અદ્યતન ઇલેક્ટ્રિક વ્હીલચેર(EV) તેમજ ફેશિયલ પાલ્સીના બાળ દર્દીઓને ટોર્ચ પ્રોજેક્શન એજ્યુકેશન કીટ અર્પણ કરવામાં આવી હતી.
નિર્વા સંઘવીએ અન્ય બાળકો સાથે ફુગ્ગા અને ભેટ વિતરણ કરી હર્ષભેર જન્મદિવસની ઉજવણી કરી હતી. નાની ઉંમરે કરેલું આ સેવાકાર્ય અનેક બાળકો માટે પ્રેરણારૂપ છે. જન્મદિવસની ઉજવણી કરતા નિર્વાએ જણાવ્યું કે, મારા પરિવાર અને બાળ દર્દીઓ સાથેનું આ સેલિબ્રેશન ખુબ સ્પેશિયલ છે. તેઓને ખુશ જોઇને મને પણ ખુબ આનંદ થાય છે.
આ અવસરે નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલાએ કહ્યું કે, નવી પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન માં-બાપ અને પરિવાર માટે ખુબ મોટી જવાબદારી છે. ત્યારે નાની ઉંમરે કરાયેલું સેવાકાર્ય બાળકોમાં દયા અને સહિષ્ણુતાનો ભાવ કેળવે છે. તેમજ તેમને ભવિષ્યમાં સારા કામ કરવા પ્રેરણા આપે છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે નાયબ મુખ્યમંત્રી અને તેમનો પરિવાર જન્મદિન સહિતના શુભ અવસરે જરૂરીયાતમંદ દર્દીઓ સાથે સેવાસભર ઉજવણી કરે છે.
આ પ્રસંગે નવી સિવિલ સુપ્રિ. ડૉ.ધારિત્રી પરમાર, આર.એમ.ઓ ડૉ. કેતન નાયક, નર્સિંગ સુપ્રિ. સર્વશ્રી જીગીષા શ્રીમાળી અને સ્ટેફી મેકવાન સહિત નર્સિંગ ટીમના નિલેશ લાઠીયા, જગદીશ બુહાં, વીરેન પટેલ, સંજય પરમાર, વિભોર ચુગ અને ચેતન આહીર હાજર રહ્યા હતા.



