રૂ.૫૦૦ થી લઈ ૧૫,૦૦૦ સુધીના હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનો દ્વારા સ્વરોજગારીઅને સ્વનિર્ભરતા પ્રાપ્ત કરતું જામનગર તાલુકાના ચંગા

રૂ.૫૦૦ થી લઈ ૧૫,૦૦૦ સુધીના હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનો દ્વારા સ્વરોજગારીઅને સ્વનિર્ભરતા પ્રાપ્ત કરતું જામનગર તાલુકાના ચંગા ગામનું પ્રગતિ મહિલા સ્વસહાય જૂથ
સરસ મેળાઓ થકી અમારા મંડળને લાખ્ખોના ઓર્ડર મળતા થયા: પ્રમુખ અનિતાબા
મિશન મંગલમ યોજના થકી સખી મંડળની બહેનોનું થઈ રહ્યું છે આર્થિક સશક્તિકરણ અને મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર
રસોડાથી લઇ રમતના મેદાન સુધી મહિલાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી બહેનો પણ સ્વસહાય જૂથોમાં જોડાઈને પોતાના કલાકસબને ઉત્પાદકતામાં પરિવર્તિત કરતી થઈ છે, ત્યારે આજે વાત કરવી છે જામનગરના ચંગા ગામના પ્રગતિ મંડળના બહેનોની જેમને પોતાની કળાથી રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.
‘શૂન્યમાંથી સર્જન’ આ વિધાનને ચરિતાર્થ કરતી ખોબા જેવડા ગામની મહિલાઓ અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ બની છે. જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા અનિતાબા ભટ્ટી અને તેમના બહેન કવિતાબા ભટ્ટી હેન્ડીક્રાફ્ટસ અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવે છે. તેઓ મિશન મંગલમ યોજના હેઠળ સહાય પ્રાપ્ત કરી હાલ ૧૦ જેટલી મહિલાઓ સાથે મળીને પ્રગતિ મહિલા સ્વસહાય જૂથ ચલાવી રહ્યા છે.
પ્રગતિ મંડળના પ્રમુખ અનિતાબાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં સ્વસહાય જુથમાં જોડાઈને ઘર બેઠા જ હેન્ડીક્રાફ્ટના ઉત્પાદનો બનાવવાની શરૂઆત કરી હતી. અમે ઉન (વુલન)ના હેન્ડીક્રાફ્ટસ અને ગૃહ સુશોભનની વસ્તુઓ સહિત મોતીના તોરણ, ઉનના તોરણ, મોર, બતક રૂમાલ, મટુકી, ઢીંગલી, ફૂલ ઝાડ, બતક અને સ્ટ્રોબેરીની ડિઝાઈનના પ્રિન્ટવાળા ઉનના રૂમાલ, મોતીના પડદા, મોતીના ભરત વાળા અરીસા, ફ્રૂટના આકારવાળા તોરણ, ઉનના મોરલા, હેન્ડબેગ, મોબાઈલ કવર અને ચાકડા જેવી વિવિધ વસ્તુઓ જૂથની બહેનો સાથે મળીને બનાવીએ છીએ. સરસ મેળાઓ થકી અમારા મંડળને લાખ્ખોના ઓર્ડર મળતા થયા અમે તેમણે ઉમેર્યું હતું.
વધુમાં અનિતાબાએ જણાવ્યું કે, લગ્ન થનાર દીકરીઓના કરિયાવરથી લઈને બર્થ-ડે ગિફ્ટ સેટ્સ બનાવવાના અમને ઓર્ડર પણ મળે છે. રૂ.૫૦૦ થી લઈ રૂ.૧૫,૦૦૦ સુધીની વસ્તુઓ બનાવીએ છીએ. અમારા મંડળને સૌ પ્રથમ 30,000નું રિવોલ્વિંગ ફંડ મળ્યું હતું. ત્યારબાદ એક લાખની સીસી લોન મળી હતી. જે અમે અગિયાર મહિનામાં ભરપાઈ કરી દીધી હતી. એટલે અમારી ક્રેડિટ વધતા વધુ ત્રણ લાખની લોન મળી એ પણ નિયત સમય પહેલા જ પૂર્ણ કરી છે. હાલ અમારા મંડળને પાંચ લાખની લોન મળી છે. આ ઉપરાંત જામનગરમાં હસ્તકલા હેઠળ માસ્ટર ટ્રેનર તરીકે બહેનોને તાલીમ આપવાની તક મળી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં રાખડી બનાવવામાં અમારા જૂથનો પ્રથમ નંબર આવ્યો હતો.
સુરતના સરસ મેળામાં સુરતવાસીઓ દ્વારા મળેલા સુંદર પ્રતિસાદથી તેમનો ઉત્સાહ બમણો થયો છે એમ જણાવી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા અનિતાબા જણાવે છે કેસરસ મેળા થકી અમારા ઉત્પાદનોને વૈશ્વિક માર્કેટ મળ્યું છે. પહેલા તો આજુ બાજુના ગામમાં વેચાણ કરતા હતા, પણ આજે દેશ-દુનિયામાં વેચાણ થાય છે અને ખૂબ સારૂ આર્થિક વળતર મળે છે. સરસ મેળાથી અમને અમદાવાદથી રૂ.આઠ લાખનો ઓર્ડર મળ્યો છે.
તેઓ જણાવે છે કે, સુરતવાસીઓ દ્વારા મળેલો આવકાર અને પ્રતિસાદ તેમની અપેક્ષાથી ઘણો વધારે અને આત્મવિશ્વાસ વધારનારો રહ્યો છે. વધુમાં તેમણે સરસ મેળાના આયોજન અને સત્કારના વખાણ પણ કર્યા હતા.
આમ, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અદના મહિલા જૂથોને વેચાણ માટેનું પ્લેટફોર્મ મળી રહે તે માટે સુરત જેવા મેગાસિટીમાં વિનામૂલ્યે સ્ટોલ, રહેઠાણ તથા મુસાફરી ભથ્થું સહિતની સગવડો આપવામાં આવે છે. સાચે જ સુરતીઓએ ‘વોકલ ફોર લોકલ’ને અનુસરી મહિલાઓ નિર્મિત ચીજવસ્તુઓની ખરીદી કરીને વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકારિત કર્યુ છે.