સાધલીમાં વર્ષોની માંગણી બાદ બનેલું સામુહિક શૌચાલય લોકાર્પણના અભાવે બંધ

સાધલીમાં વર્ષોની માંગણી બાદ બનેલું સામુહિક શૌચાલય લોકાર્પણના અભાવે બંધ
શિનોર તાલુકાના સાધલી મુકામે વર્ષોની લાંબી માંગણી બાદ તાજેતરમાં સામુહિક શૌચાલયનું નિર્માણ પૂર્ણ થયું છે, પરંતુ લોકાર્પણ ન થવાને કારણે આજદિન સુધી તે ઉપયોગમાં આવી શક્યું નથી – જે એક કડવી હકીકત બની રહી છે.
સાધલી ગ્રામ પંચાયતના નવા બોર્ડને ચાર વર્ષ પૂર્ણ થયા છે. બોર્ડની શરૂઆતથી જ જાહેર શૌચાલયની માંગણી કરવામાં આવી હતી. અંતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી રૂપિયા 4.20 લાખના ખર્ચે રંગરોગાણ સહિતનું સામુહિક શૌચાલય તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ હાલ તે લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે.
શૌચાલય તૈયાર હોવા છતાં તાળા મારેલી સ્થિતિમાં હોવાથી ગ્રામજનોએ તેનો ઉપયોગ કરી શકતા નથી. સૌથી વધુ મુશ્કેલી મહિલાઓને પડી રહી છે. પુરુષો ક્યાંય જઈ શકે છે, પરંતુ મહિલાઓ માટે મર્યાદા હોવાને કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
વિશેષ વાત એ છે કે સાધલી ગ્રામ પંચાયતના સત્તાસ્થાને સાત મહિલાઓ બહુમતીમાં હોવા છતાં, મહિલાઓની આ ગંભીર સમસ્યા તરફ ધ્યાન ન આપાતું હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. તૈયાર છતાં બંધ હાલતમાં રહેલું સામુહિક શૌચાલય પંચાયતની બેદરકારી દર્શાવે છે.
ગ્રામજનોની માંગ છે કે પંચાયત તાત્કાલિક લોકાર્પણ કરી શૌચાલય ઉપયોગ માટે ખુલ્લું મૂકે, જેથી તેનો સાચો હેતુ સિદ્ધ થાય અને ખાસ કરીને મહિલાઓને રાહત મળે.




