એસ.સી.એ. પટેલ આર્ટ્સ કોલેજ, સાધલીના એન.એસ.એસ. વિભાગની વાર્ષિક શિબિરનો સમાપન સમારોહ યોજાયો

એસ.સી.એ. પટેલ આર્ટ્સ કોલેજ, સાધલીના એન.એસ.એસ. વિભાગની વાર્ષિક શિબિરનો સમાપન સમારોહ યોજાયો
સાધલી: એસ.સી.એ. પટેલ આર્ટ્સ કોલેજ, સાધલીના એન.એસ.એસ. વિભાગ અંતર્ગત છાણભોઈ ગામે આયોજિત એન.એસ.એસ.ની વાર્ષિક શિબિરનો સમાપન સમારોહ તા. ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાયો હતો.
સમાપન સમારોહમાં છાણભોઈ ગામના સરપંચ પતિ જયેશભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દવે, કોલેજના અધ્યાપકો, શાળાના આચાર્ય સંજયભાઈ ભાટીયા, શાળાના શિક્ષકો, ગ્રામજનો તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દવે દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર અને સ્વયંસેવકોને શિબિરની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા શિબિર દરમિયાનના પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા.
સ્વયંસેવિકા રાઠોડ મંથસાએ સાતદિવસીય શિબિર દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો વિગતવાર અહેવાલ વાંચીને સૌને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ કોલેજમાં વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ તથા શિબિર દરમિયાન સ્વયંસેવકો અને શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ તેમજ શિબિરમાં જોડાયેલા તમામ સ્વયંસેવકોને મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો તથા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કોલેજના ભૂતપૂર્વ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર કે.એલ. વાળા દ્વારા તેમના માતૃશ્રીના સ્મરણાર્થે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શિબિરમાં ઉપસ્થિત તમામ સ્વયંસેવકોને શાળા બેગ ઇનામ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક ડૉ. આઈ. એ. આખલીએ કર્યું હતું. અંતમાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. વિનય પટેલ દ્વારા શિબિર દરમિયાન સહકાર આપનાર તમામનો આભાર માનવામાં આવ્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ કરી સૌએ સાથે ભોજન લીધું હતું.



