સી. આર. પાટીલ વિજય મુહૂર્ત ચુક્યા, ફોર્મ જ ન ભર્યું

લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યાં છે. ત્યારે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારી ખાતે ફોર્મ ભરવા નીકળ્યાં હતાં. ઘરેથી માતાના આશિર્વાદ લઈને નીકળેલા સી.આર.પાટીલના કાફલામાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ જોડાયાં હતાં. વિજય સંકલ્પ રેલીમાં નીકળેલા પાટીલ સમયસર કલેક્ટર કચેરી લોકોની ભીડના કારણે પહોંચ્યા નહીં. જેથી આજે ફોર્મ ભરવાનું ટાળ્યું હતું. જેથી પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી હોવાનો ઘાટ સર્જાયો છે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે નવસારી ખાતે પોતાનું ફોર્મ નામાંકિત કરવા નીકળ્યાં હતાં. વિજય સંકલ્પ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. જેથી રેલી સમયસર કલેકટર ઓફિસ ખાતે પહોંચી નહોતી. 12.39નો વિજય મુહૂર્ત ચૂકી ગયા હતાં. જેથી આજરોજ સી. આર. પાટીલ પોતાનું ફોર્મ ભરવાના હતા. તે આજે મુલતવી રાખ્યું હતું. હવે આવતીકાલે વિજય મુહૂર્તમાં પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.
સી.આર.પાટિલ સવારે સુરતથી નીકળ્યાં હતાં. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ તેમની સાથે જોડાયાં હતાં. રસ્તામાં મુખ્યમંત્રી પણ જોડાયા હતાં. ડાયરાના કલાકારો પણ રેલીમાં ગીત લલકારતાં જોવા મળ્યાં હતાં. જેના કારણે આજે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં. જેથી બધાનું અભિવાદન ઝીલવામાં રેલી સમયસર કલેક્ટર કચેરી પહોંચી નહોતી.