૨૦૨૫/૨૬ ની ડોમેસ્ટિક સીઝન માટેની વુમન્સ અન્ડર-૧૫ વન ડે ટ્રોફીમાં ડાંગની દિકરી વગાડી રહી છે ડંકો

૨૦૨૫/૨૬ ની ડોમેસ્ટિક સીઝન માટેની વુમન્સ અન્ડર-૧૫ વન ડે ટ્રોફીમાં ડાંગની દિકરી વગાડી રહી છે ડંકો
ચિરાપાડા ગામની કિશોરી BCCIની અન્ડર-૧૫ વુમન્સ ક્રિકેટ ટીમ માટે સિલેક્ટ થઈ
સહ્યાદ્રિ પર્વતમાળાની એક ઔર દિકરી, ડાંગ જિલ્લાનો ડંકો વગાડી, રાજ્યનું નામ રોશન કરવા બારણે ટકોરા મારી રહી છે.
વાત છે આહવા તાલુકાનાં ચિરાપાડા ગામની દિકરી ફ્રેની ચૌધરીની. કે જે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા: BCCIની અન્ડર-૧૫ વુમન્સ ક્રિકેટ ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે પસંદગી પામી, ગુજરાતની ટીમ વતી ઘરેલુ ક્રિકેટ સીઝન: વુમન્સ અન્ડર-૧૫ વન ડે ટ્રોફીમાં તેનું કૌવત ઝળકાવી રહી છે.
મૂળ ડાંગ જિલ્લાની આ દીકરીની ‘ધ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન’ મારફત BCCIમાં પસંદગી થતાં, અને ઘરેલુ સીઝનમાં તેણીના ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઈને, સમગ્ર ડાંગ જિલ્લામાં ક્રિકેટ પ્રેમીઓમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે.
ડાયમન્ડ સિટી સુરત નજીકના કામરેજ સ્થિત જે.બી. એન્ડ કાર્પ વિદ્યા સંકુલ ખાતે ધો-૮માં અભ્યાસ કરતી ફ્રેની ચૌધરી સુરતની ફ્રી ક્રિકેટ એકેડમી ખાતે ક્રિકેટના પાઠ ભણી રહી છે. તેણીના કોચ શ્રી ધનસુખભાઈ પટેલના સઘન તાલીમી માર્ગદર્શન અને પ્રોત્સાહનને કારણે ફ્રેનીની રમતને નિખાર મળ્યો છે.
ફ્રેનીના પિતા શ્રી અરવિંદભાઈ ચૌધરી પાછલા ૧૮ વર્ષોથી ગુજરાત પોલીસમાં હેડ કોન્સટેબલ તરીકે વાવ-કામરેજ ખાતે સેવારત રહ્યા છે. મૂળ ડાંગ જિલ્લાના આ પોલીસકર્મીએ પોતાની દીકરીના સ્વપ્નને નવી પાંખો આપી, અંગત પ્રેરણા-પ્રોત્સાહન અને શિસ્ત સાથે દેશને ગૌરવાન્વિત કરવાની તક ક્રિકેટમાં પણ છુપાયેલી છે તેવા વિચારબીજનું દીકરીના માનસમાં વાવેતર કર્યું છે. પિતાની જેમ જ મજબૂત મનોબળ ધરાવતી ફ્રેની એ પણ અનેક પડકારોનો સામનો કરી, અન્ડર-૧૫ સુધીની સફર તય કરી છે.
ડાંગ જિલ્લાની ક્ષિતિજે ચમકારો બતાવી રહેલી યંગ ક્રિકેટર ફ્રેની ચૌધરી સમગ્ર ડાંગ સહિત રાજ્ય અને દેશ સાથે પોતાના પરિવારજનોને પણ ગૌરવ આપવા માટે સજ્જ છે. હાલ ફ્રેની ચૌધરી ડોમેસ્ટિક ક્રિકેટ માટે તેણીના ઘર-પરિવારથી દૂર પોતાની ટીમ સાથે ‘ગુજરાત’ની ટીમમાં તેણીના ઓલ રાઉન્ડ પ્રફોર્મન્સથી સૌની આશાઓની પૂર્તિ કરી રહી છે.
ફ્રેનીના કોચ ધનસુખભાઈ પટેલના જણાવ્યા અનુસાર ફ્રેની ચૌધરીમાં કુદરતે ઠાંસી ઠાંસીને શક્તિઓ ભરી છે. શ્રેષ્ઠ એથ્લેટ હોવા સાથે ફ્રેનીને કુદરતે લચીલા શરીરની ભેટ આપી છે. તે એક ઉત્કૃષ્ટ બેટ્સમેન સહિત કાતિલ બોલર, આકર્ષક ફિલ્ડર અને શ્રેષ્ઠ રનર તરીકે ક્રિકેટમાં કાંઠુ કાઢી રહી છે. ફ્રેનીના પિતા શ્રી અરવિંદભાઈએ પોતાની દીકરીને ઉડવા માટે મુક્ત ગગન અર્પીને, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણીને સાર્થક કરી છે.



