તા.૫ સપ્ટેમ્બર- શિક્ષક દિવસ:સુરત
તા.૫ સપ્ટેમ્બર- શિક્ષક દિવસ:સુરત
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સિટીલાઈટ ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ સન્માન સમારોહ યોજાયો
શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા જિલ્લા-તાલુકાના ૭ શિક્ષકો તેમજ ૧૯ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન
‘૫ સપ્ટેમ્બર-શિક્ષક દિન’ અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સિટીલાઈટના અગ્રસેન ભવન ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા. ‘શિક્ષક દિન’ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી-સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત સન્માન સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ ૭ શિક્ષકોનું શાલ, પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર અર્પણ કરી બહુમાન કરાયું હતુ.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, દરેક સફળ વ્યક્તિની પાછળ એક શિક્ષકનો પણ મહત્વનો ફાળો હોય છે. જે શિક્ષકો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં યોગદાન આપી રહ્યા છે, તેમના માટે પોતાના વિદ્યાર્થીઓ ભણીગણીને ડૉક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ અથવા અધિકારી બને એ જીવનનો સૌથી મોટો એવોર્ડ છે.
શિક્ષક દિવસની ઉજવણી એ શિક્ષકોએ સમાજના ઘડતરમાં આપેલા યોગદાનનું સન્માન છે એમ જણાવી મંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં પ્રારંભ કરેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે. રાજ્યની સરકારી શાળાઓમાં અપાઈ રહેલા ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ શૈક્ષણિક સુવિધાઓના કારણે પ્રાઇવેટ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં એડમિશન લઈ રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે બાળકોને વૃક્ષારોપણ અને ક્લાઇમેટ ચેન્જ વિશે જાગૃત્ત કરીને પર્યાવરણ સંરક્ષણ માટે બાળપણથી જ પ્રેરણા આપવી જોઇએ એમ જણાવી ઉપસ્થિત સૌને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિના જીવનઘડતરનો મજબૂત પાયો રોપવાનું કામ શિક્ષક કરે છે. દેશની ભાવિ પેઢીને દિશાદર્શન આપવામાં, જ્ઞાનદાનથી રાષ્ટ્ર નિર્માણ કરવામાં શિક્ષકોની આગવી ભૂમિકા હોવાનું જણાવી શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું કે, આજે ઉચ્ચ કક્ષાના હોદ્દા પર છીએ તે શિક્ષકોના કારણે છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવમાં શિક્ષકોને પરિવારના સભ્ય સમાન તેમજ બાળકોના જીવન ઘડવૈયા તરીકે અદકેરું માનસન્માન આપવામાં આવે છે એ અમે નજરે જોઈએ છીએ. શિક્ષણ કાર્યની સાથે શિક્ષક બાળકોના આરોગ્ય અને ગામના નાગરિકોને તેમની સમસ્યા માટે સલાહ સૂચનો અને મદદ કરતા હોય છે, જેથી લોકોમાં શિક્ષકો પ્રત્યે વધુ આદરભાવ જોવા મળે છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું કે, દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું ખાસ મહત્વ રહ્યું હોય છે. વ્યક્તિને શિક્ષિત અને પગભર બનાવીએ તો સમગ્ર જીવનમાં તે વ્યક્તિ પોતાના તેમજ પરિવાર, સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે. સમાજમાં સારા વ્યક્તિના ઘડતર અને વિકાસમાં શિક્ષણ મહત્વનો પાયો છે. સન્માનિત થનાર શિક્ષકો જેઓ પોતાની જવાબદારીથી આગળ જઈ કામ કરી રહ્યા છે, શાળાના સમય બાદ અને રજાના દિવસોમાં પોતાનો સમય વિદ્યાર્થીઓ માટે ફાળવીને શિક્ષણ આપે છે એ સરાહનીય છે.
આ વેળાએ મંત્રીશ્રી-મહાનુભાવોના હસ્તે જિલ્લાની શાળાઓના ૧૯ તેજસ્વી છાત્રોનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિ.પંચાયત પ્રમુખ ભવિનીબેન પટેલ, જિ.શિક્ષણાધિકારી ડો.ભગિરથસિંહ પરમાર, જિ.પ્રા.શિક્ષણાધિકારી જયેશ પટેલ, વહીવટી અધિકારી એન.બી.જોશી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એચ.પી.બારોટ, ડૉ.સંગીતાબેન મિસ્ત્રી, નરેન્દ્રસિંહ વસાવા, ટી.વાય.રાવ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં આચાર્ય અને શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.