ગુજરાત

શિક્ષણ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સંજના અને વંશિકાના હસ્તે મકાનનું ખાતમુહૂર્ત

શિક્ષણરાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દત્તક લીધેલી કામરેજ તાલુકાનાં લાડવી ગામની બે દીકરીઓને મળશે પાકું ઘર

સુરત: સોમવાર: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામ સ્થિત હળપતિવાસમાં રહેતી માતા-પિતાની છત્રછાયા વિહોણી બે આદિવાસી દીકરીનો આધાર બની શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ બંને દીકરીઓને દત્તક લીધી છે, તેમના શિક્ષણ અને ગુજરાન માટેની તમામ જવાબદારીઓ પણ પોતાના શિરે લઇને માનવીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ૮ વર્ષીય સંજના રાઠોડ અને ૬ વર્ષીય વંશિકા રાઠોડ નામની આ દીકરીઓ વૃદ્ધ દાદા સાથે જીર્ણશીર્ણ ઝૂંપડીમાં રહેતી આ અનાથ દીકરીઓની સ્થિતિ જોઇને તેમના માટે પાકા મકાનની સુવિધા ઉભી કરવાનો નિર્ધાર કર્યો હતો, જેના અનુસંધાને આજે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ બંને દીકરીઓના હસ્તે જ પાકા મકાનનું ખાતમુહુર્ત કરાવ્યું હતું.

મકાન ખાતમુહૂર્તની આ ભાવવાહી ક્ષણે સમગ્ર લાડવી ગામ સહભાગી થયું હતું અને મંત્રીશ્રીના માનવતાભર્યા અભિગમને બિરદાવતા તમામ ગ્રામજનોની આંખો ભીંજાઈ હતી.

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે, પાકું મકાન બનાવી બંને દીકરીઓ અને વૃદ્ધ દાદા માટે છત્રછાયા કરવાનો સંકલ્પ કર્યો હતો, જે મકાનના ખાતમુહૂર્ત થતા જ ઝડપભેર સાકાર થશે. ઉપરાંત, સંજના અને વંશિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રત્યેક દીકરી દીઠ રૂ.૫.૨૫ લાખ એમ કુલ રૂ.૧૦.૫૦ ની ફિક્સ ડિપોઝીટ પણ મૂકી દેવામાં આવી છે. હળપતિ સમાજની માતાપિતાવિહોણી આ દિકરીઓના શિક્ષણથી લઈને જીવનજરૂરી તમામ જવાબદારીઓ નિભાવવા અને ‘સેવા પરમો ધર્મ’ને સાર્થક કરવામાં નિમિત્તમાત્ર બન્યો તેનો આનંદ છે એમ તેમણે ઉમેર્યું હતું.

સમાજ માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડનાર શિક્ષણમંત્રી અગાઉ પણ વંચિતો, પીડિતો માટે અનેકવિધ સમાજલક્ષી કાર્યો કરીને ખરા અર્થમાં જનપ્રતિનિધિ બન્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button