આરોગ્ય

દાનની સરવાણી: નવી સિવિલના બાળવિભાગમાં દાખલ ૭૧ બાળકોને છત્રી, બિસ્કિટનું વિતરણ

પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ અને નગરસેવક પરેશભાઈ પટેલે ૬૦મો જન્મદિવસ સિવિલમાં દાખલ બાળદર્દીઓ સાથે ઉજવ્યોઃ

Surat News: નવી સિવિલ હોસ્પિટલના બાળવિભાગમાં દાખલ ૭૧ બાળકોને છત્રી અને બિસ્કિટ વિતરણ કરીને સુરત મનપાના પુર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને નગરસેવક પરેશભાઈ પટેલે પોતાના ૬૦માં જન્મદિનની સેવાસભર ઉજવણી કરી હતી.
આ પ્રસંગે શ્રી પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “નાનાપણથી જ વડીલોએ મને દાનનો મહિમા સમજાવ્યો છે. જેથી દર વર્ષ જન્મ દિને અચૂક દાન કરવાનો પ્રયાસ કરૂ છું. નાનપણથી જ બાળકો પ્રત્યે અતૂટ પ્રેમ, લાગણી, માયા બંધાઈ છે. જેથી વિચાર આવ્યો કે, જન્મદિવસે સિવિલમાં બાળવિભાગમાં દાખલ બાળકોને જરૂરિયાતની ચીજવસ્તુની કીટનું દાન આપવું એ જ સાચી જન્મદિવસની ઉજવણી છે.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જાણાવ્યું હતું કે, “છેલ્લા ઘણા વર્ષોથી સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને નગરસેવક પરેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની રોમાબેન પટેલ બંન્ને પોતાના જન્મદિવસ સિવિલના દર્દીઓ સાથે ઉજવે છે, ત્યારે આજે ૭૧ બાળદર્દીઓને છત્રી અને બિસ્કિટ આપતાં બાળકોના મુખ પર અનેરૂ સ્મિત રેલાયું છે. બાળકો પોતાનું દુઃખ ભૂલી આનંદમાં જોવા મળ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી પરેશભાઈ સિવિલમાં બિનવાસી મૃતકોને કફન ઉપલબ્ધ કરાવવાનું અવિરત કાર્ય કરી રહ્યાં છે. તેઓ કોરોનાકાળમાં પણ સિવિલમાં તબીબી સ્ટાફને નિ:સ્વાર્થભાવથી મદદરૂપ થયા હતા.
આ પ્રસંગે નવી સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ના સંજય પરમાર, બિપીન મેકવાન સહિત નવી સિવિલના તબીબી અધિકારીઓ, સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button