આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક યોજાઈ
આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક યોજાઈ
ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની ચાર જિલ્લાઓના આરોગ્ય, ખેતીવાડી અને પશુપાલનના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવીઃ
હીટવેવ સામેના તકેદારીના તમામ પગલાઓ લેવા સુચના આપવામાં આવી
સુરત:શુક્રવાર:- ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના અધ્યક્ષસ્થાને સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, ખેતીવાડી તથા પશુપાલન તથા અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સિવિલ સ્થિત મેડીકલ કોલેજના સભાખંડ યોજાયેલી બેઠકમાં ડો.નિલમ પટેલે જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસો તથા મહેનતના કારણે છેલ્લા વર્ષોમાં લેપ્ટોસ્પાયરોસીસના કેસોમાં નોંધપાત્ર ધટાડો નોંધાયો છે. ભુતકાળના વર્ષોમાં વર્ષ દરમિયાન ૭૦૦ જેટલા કેસો નોંધાતા હતા. જેમાં મહત્તમ ધટાડો થઈને ૨૦૨૩ના વર્ષમાં માત્ર પાંચ કેસો નોંધાયા હતા. જયારે ડેથ રેશિયો શૂન્ય થયો છે. આવનારા સમયમાં લેપ્ટોસ્પાયરોસીસ રોગ હતો તેવી સ્થિતિનું નિર્માણ કરીને સૌને આગળ વધવા અનુરોધ કર્યો હતો.
સર્વે જિલ્લાના વડાઓને તેમના જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસના નિયંત્રણ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સઘન બનાવી, પેમ્પલેટ,બેનર દ્વારા જનજાગૃતિ લાવીને આગોતરૂ આયોજન કરવાં સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત હાઈરિસ્ક ગામો પર પુરતુ ધ્યાન આપી તકેદારી લેવા જણાવીને દવાઓની ઉપલબ્ધતા, લોકોમાં રોગના લક્ષણો જણાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે, ઝડપી ટેસ્ટીંગ થઈ શકે એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હીટવેવ સામેના તકેદારીના તમામ પગલાઓ લેવા અધિકારીઓને સુચના આપી હતી.
ખેતીવાડી, પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે લેપ્ટોને નિયંત્રણમાં રાખવા અંગેની જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવા બાબતની સુચનાઓ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, ૨૦૧૧ના વર્ષમાં લેપ્ટોના ૯૧૬ કેસો તથા ૧૭૭ મૃત્યુ નોંધાયા હતા. સૌના સહિયારા પ્રયાસો થકી ઉત્તરોત્તર ધટાડો થઈને ૨૦૨૩ના વર્ષમાં માત્ર પાંચ કેસો અને ડેથનો રેશિયો શૂન્ય પર પહોચ્યો છે.
બેઠકમાં ડેપ્યુટી ડાયરેકટર એપેડેમીક ડો.જયેશ કટીરા, એકેમેન્ડોલોજી ડો.જયેશ સોલંકી, મેડીકલ ઓફિસર(ગાંધીનગર)ડો.વિજય પટેલ, આર.ડી.ડી.ડો.જયોતિ ગુપ્તા, આસીસ્ટન્ટ ડાયરેકટર ડો.આર.એમ.જેસવાણી, આર.એમ.ઓ.ડો.કેતન નાયક, સુરત, તાપી, નવસારી, વલસાડના આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન વિભાગના અધિકારીઓ તથા સિવિલ, સ્મિમેરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
———