નવચેતન અદાણી શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ

નવચેતન અદાણી શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ
હજીરા વિસ્તારમાં વિદ્યાર્થીના ઘરે એમણે જાતે બનાવેલી પ્રતિમાનું સ્થાપન થશે
સુરત તા. : અદાણી ફાઉન્ડેશન પુરસ્કૃત નવચેતન પ્રાથમિક વિભાગ,જૂનાગામ ખાતે શાળામાં ધોરણ 1 થી 8 ના ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ અંગે જાગૃતતા માટે કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટર ઓફ પેરિસની આડ અસરો દર્શાવતું પ્રેઝન્ટેશન રજૂ કરી ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ વિદ્યાર્થીઓ ઊજવે એ હિમાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પ્લાસ્ટર ઑફ પેરિસની વિઘાતક અસરથી જાગૃત થઈ સાચી શ્રદ્ધા અને ઈકો ફ્રેન્ડલી ઉત્સવ ઉજવણી તરફ પાછા ફરે એ છે. વધુમાં પર્યાવરણનાં સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, દરિયાઈ જીવોને નુકસાન ન પહોંચાડવાનું,પ્રદૂષણ રોકવું, સ્વચ્છતા રાખવી, સર્જનાત્મક કળા ખીલવવી એ હતો.
આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે વિદ્યાર્થીઓએ પોતાના હાથે માટીમાંથી ગણપતિ બાપાની 80 પ્રતિમાઓ તૈયાર કરી હતી. પ્રતિમા બનાવવા માટે વાંસની લાકડી, પોસ્ટર કલર, આભલાં, મણકા,રંગીન પથ્થર, રંગીન કાપડ, કાગળ, ઘાસ, મોરપીંછ, દિવાસળી વિવિધ પ્રકારનાં બીજનો સમાવેશ કરી પોતાની કલ્પનાશક્તિ અને કુશળતા વડે સુંદર અને અનોખી, આકર્ષક પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કે બનાવેલ પ્રતિમા તેઓ પોતાના ઘર આંગણે જ સ્થાપિત કરે, વિસર્જન સમયે પ્રતિમા પાણીમાં વિસર્જિત કરીને તે પાણી ફૂલછોડમાં અર્પણ કરે,જેથી પાણી પ્રદૂષિત થતું અટકે તથા પર્યાવરણને નુકસાન ના પહોંચે. દરવર્ષે યોજાતા આ પ્રકારના કાર્યક્રમના કારણે જુનાગામ અને હજીરાના આસપાસના વિદ્યાર્થીઓના ઘરે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપન થાય છે.