અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી ખેડૂતો સાથે નેત્રંગ વિસ્તારમાં ખેડૂત દિવસની ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી ખેડૂતો સાથે નેત્રંગ વિસ્તારમાં ખેડૂત દિવસની ઉજવણી
દહેજ, ભરૂચ : રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી ખેડૂતો માટે ઘરઆંગણે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ખાતે સફળતાપૂર્વક યોજાયો હતું. પ્રાકૃતિક તાલીમ શિબિરમાં આસપાસના ૧૨ ગામના ખેડૂતો સામેલ થયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ટકાઉ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો તથા પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરણા આપવાનો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અદાણી પેટ્રોનેટ દહેજના સીઓઓ કેપ્ટન ધર્મ પ્રકાશ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેપ્ટન ધર્મ પ્રકાશે પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં પોતાની અને પરિવારની જીવનયાત્રા અને પૃષ્ઠભૂમિ વિશે વાત કરી હતી, જેમાં મહેનત, શિસ્ત અને ધીરજ જેવા મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમના વ્યક્તિગત અનુભવ ગ્રામજન અને ખાસ કરીને યુવાનો માટે શિક્ષણ, પ્રગતિ અને ટકાઉ રોજગારી તરફ સતત પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણારૂપ હતા.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આત્મા પ્રોજેક્ટના માસ્ટર ફાર્મર ટ્રેનર પુના દાદા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને તકનીકી માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ ઇનપુટ્સની તૈયારી, ઉપયોગ અને ફાયદાઓની સાથે જીવામૃત, અગ્નિઆસ્ત્ર, નિમાસ્ત્ર બનાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતોને ક્ષેત્રસ્તરે સરળતાથી અપનાવી શકાય તેવી વ્યવહારુ સમજ મળે તે માટે જીવંત પ્રદર્શન (લાઈવ ડેમો) પણ યોજાયા હતા. કાર્યક્રમમાં ખેડૂત અનુભવ વહેંચણી, મહિલા ખેડૂતોનું સન્માન, અને નિષ્ણાતો સાથે ચર્ચા યોજાઈ હતી. આ પ્રવૃત્તિઓથી ખેડૂતોમાં આત્મવિશ્વાસ વધ્યો, સમુદાયની ભાગીદારી મજબૂત બની અને પ્રાકૃતિક તથા ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા ઉત્સાહ વધતો દેખાયો હતો. ખેડૂતોએ અદાણી ફાઉન્ડેશનના આ પ્રયત્ન અને કાર્યક્રમને બહુ ઉપયોગી ગણાવ્યો હતો.



