ગુજરાત

સુરત એપીએમસી માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને તા.૧૩મીએ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે

સુરત એપીએમસી માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને તા.૧૩મીએ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે
પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ

સુરત એપીએમસી માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે એલિવેટેડ માર્કેટ યાર્ડનું નિર્માણ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-સુરત દ્વારા ગુજરાતના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડ એટલે કે પ્રથમ માળે સાકારિત માર્કેટયાર્ડનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી તા.૧૩ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદો-ધારાસભ્યો, અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહેશે.
સુરત એપીએમસી માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે એલિવેટેડ માર્કેટ યાર્ડનું નિર્માણ પામેલી આ અત્યાધુનિક માર્કેટમાં ૧૦૦ ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી ટેમ્પો, ટ્રક સીધા પહેલા માળે દુકાનોની સામે જ જઈ શકશે. આ સુવિધાથી કૃષિ પેદાશોને લાવવા-લઇ જવામાં સમય બચશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે, અને કૃષિ જણસો સીધા વેપારીઓની દુકાનો પર જ ઉતારી શકાશે.
ધારાસભ્ય અને એ.પી.એમ.સી.ના ચેરમેન સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત એ.પી.એમ.સી.માં દેશના ૧૫ રાજ્યોમાંથી ખેડૂતો, બાગાયતદારો શાકભાજી, ફળો જેવા પોતાના ઉત્પાદનો વેચવા આવે છે. પરંપરાગત, જૂની ઢબની માર્કેટમાં શાકભાજી, માલસામાન હંમેશા ગ્રાઉન્ડ પર જ હોય છે, જેમાં સમયનો વ્યય અને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. એટલે જ અમે એલિવેટેડ માર્કેટ યાર્ડનો કોન્સેપ્ટ વિચાર્યો હતો. આ માર્કેટમાં પ્રથમ માળે હાઈટેક ૧૦૮ દુકાનો ઉપલબ્ધ છે, જેમાં વિશાળ સ્ટોરરૂમ, પીવાના પાણીની સુવિધા, શૌચાલય જેવી સુવિધાઓ છે.
વાર્ષિક રૂ.૩૭૦૦ કરોડના ટર્નઓવર ધરાવતી સુરત APMCનો રાજ્યના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન છે એમ જણાવી શ્રી દેસાઈએ કહ્યું કે, આ માર્કેટમાં પ્રથમ માળ સુધી ખેડૂતો, વેપારીઓ વાહન લઈ જઈ શકે તેના માટે ટુ વે રેમ્પ, માલ સામાન લઈ જવાની લિફ્ટ, પેસેન્જર લિફ્ટ, પ્રથમ માળે વાહન પાર્કિંગ, માર્કેડયાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકોને વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, ખેડૂત મિત્રો માટે બિયારણ વિતરણ કેન્દ્ર જેવી સુવિધા ખેડૂતો અને વેન્ડર્સ માટે ઉભી કરવામાં આવી છે. પ્રત્યેક દુકાનની બહાર વધુ ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે, જેથી શાકભાજીને ચડાવવા-ઉતારવામાં, હરરાજી કે વેચાણ પ્રક્રિયામાં સરળતા રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button