વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારે ઘર આંગણે આપ્યા યોજનાકીય લાભ
સુરત:શુક્રવારઃ વિકસિત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ પરિભ્રમણ કરીને છેવાડાના માનવી સુધી યોજનાના લાભો પહોંચાડી રહ્યો છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભથી નાગરિકોના જીવનમાં સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યું છે.
ત્યારે ઓલપાડ તાલુકાના સરોલી ગામના લાભાર્થી એવા દિનેશભાઈ રાઠોડ જણાવે છે કે, ખેત મજૂરી કરી માતા-પિતા સાથે ઘર પરિવારનું ગુજરાન ચલાવું છું. સરકારે આવાસ, અન્ન સહાય અને આરોગ્યની સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર અને ચૂલો આપીને અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારોનું ધ્યાન રાખ્યું છે, જે બદલ સરકારનો આભાર માનું છું.
તેમણે વધુમાં કહ્યું કે, વર્ષોથી કાચા મકાનમાં રહેતા અને જમવાનું બનાવવા માટે પરંપરાગત રૂપે લાકડી અને છાણની સાથે ઘાસ – પાંદડાનો ઉપયોગ કરતા હતા. સુડા આવાસ યોજનાના લાભથી મારા પરિવારને પાકી છત મળી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની સુધીની કેશલેસ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પરિવાર ઉપર ઓચિંતી આવી પડતી આફત સામે આર્થિક રીતે મદદરૂપ બની રહેશે. આ ઉપરાંત અંત્યોદય અન્ન યોજના હેઠળ દર મહિને સરકારશ્રી દ્વારા મફત રાશન મળી રહ્યું છે.
સરકારે યોજનાઓ થકી આવાસ, અન્ન સહાય અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. એટલે જ કહી શકાય કે સરકારે સામાન્ય જનસમુદાયની દરકાર કરી છે એમ કહીને દિનેશભાઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભર વ્યકત કર્યો હતો.