સચીન વિસ્તારમાં એકસાથે ૧૪ નિઃશુલ્ક યોગ અભ્યાસ વર્ગોનો ભવ્ય શુભારંભ

સચીન વિસ્તારમાં એકસાથે ૧૪ નિઃશુલ્ક યોગ અભ્યાસ વર્ગોનો ભવ્ય શુભારંભ
ગુજરાત યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર ડો.પારૂલ પટેલના અધ્યક્ષસ્થાને ઝૂમ એપ પર ઈ-કાર્યક્રમ યોજાયોઃ
ગુજરાત યોગ બોર્ડ-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં અંદાજિત પાંચ હજારથી વધુ સંખ્યામાં યોગ અભ્યાસ વર્ગો નિયમિત રીતે ચાલી રહ્યા છે. આ વ્યાપક યોગ આંદોલનમાં રોટરી કોમ્યુનિટી કોર્પ્સ (RCC) સચીન દ્વારા પણ વર્ષોથી નાના પાયે ચાલતા યોગ વર્ગોને વિસ્તૃત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ગુજરાત યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર ડૉ.પારૂલ પટેલ અને કોચ સુરેશ ચવ્હાણના સફળ પ્રયાસોથી સચીનના વિસ્તારમાં કુલ ૧૪ યોગ અભ્યાસ વર્ગો સફળતાપૂર્વક શરૂ કરાયા છે.
આ પ્રસંગે ડો.પારૂલ પટેલે જણાવ્યું કે, ગુજરાત યોગ બોર્ડ પાસે અંદાજિત દોઢ લાખથી વધુ પ્રમાણિત યોગ ટ્રેનર્સ ઉપલબ્ધ છે. સચીન કે સુરતમાં જ્યાં પણ જનહિતમાં નિઃશુલ્ક યોગ વર્ગ શરૂ કરવા હોય ત્યાં ઓછામાં ઓછી ૧૫થી વધુ લોકોની સંખ્યા હોય તો યોગ બોર્ડ દ્વારા તાલીમપ્રાપ્ત યોગ શિક્ષકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે યોગના વિવિધ પ્રકારો, ધ્યાન (મેડિટેશન) અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિષે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને શિયાળાની ઋતુમાં યોગનો અભ્યાસ શરીર માટે અત્યંત લાભદાયી હોવાનું જણાવ્યું હતું.
સચીન વિસ્તારમાં યોગ અભ્યાસ વર્ગોની વિગત જોઈએ તો SMC ગાર્ડનમાં બે, લાજપોર સેન્ટ્રલ જેલમાં ત્રણ, રંગ અવધૂત સોસાયટી, સાઈનાથ સોસાયટી, વીર નર્મદ-૨, કણસાડ મહાદેવ મંદિર, તુલસી કલશ, શિલાલેખ, RJD પારડી, વૃંદાવન સોસાયટી, ગ્લોરિના વેલી ગાર્ડન મળી ૧૪ યોગ અભ્યાસ કેન્દ્રો શરૂ કરાયા છે. તમામ વર્ગો સવારે ૫.૦૦ થી ૯.૦૦ તથા સાંજે ૪.૦૦ થી ૬.૦૦ વાગ્યા દરમિયાન વિવિધ સમયગાળામાં કાર્યરત રહેશે.
આ પ્રસંગે RCC સચીનના ચેરમેન પ્રકાશ ભાવસાર તથા અન્ય મહાનુભાવો ઝૂમ લાઇવ દ્વારા ડિજિટલી જોડાયા હતા. જ્યારે પ્રોગ્રામ સંકલન કમલેશ સિંહે કર્યું હતું.



