કાલે અમદાવાદમાં ઓસ્ટ્રેલીયા સામે મહામુકાબલો

કાલે અમદાવાદમાં ઓસ્ટ્રેલીયા સામે મહામુકાબલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલીયાના નાયબ વડાપ્રધાન રીચર્ડ માર્લ્સ ઉપરાંત મહાનુભાવ, -વિદેશની સેલીબ્રીટીનો જમાવડો થશે
ક્રિકેટના મહાકુંભ એવા વર્લ્ડકપનો ફાઇનલ મુકાબલો આવતીકાલે અમદાવાદમાં ખેલાવાનો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહાસંગ્રામ રમાવાનો છે ત્યારે દેશભરમાં ભારતની જીતના વિશ્વાસ સાથે ક્રિકેટરસિયાઓમાં અભૂતપૂર્વ માહોલ સર્જાયો છે. સ્ટેડિયમમાં બેસીને મેચ જોવા માટે ગમે તેવી રીતે ટીકીટની વ્યવસ્થા ગોઠવવા દોડધામ છે.
વર્તમાન વર્લ્ડકપની તમામ 10 મેચો જીતીને ફાઇનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમનું મનોબળ અને જુસ્સો બુલંદ છે ત્યારે કરોડો ભારતીય ક્રિકેટરસિકો પણ ભારતની જીતનો વિશ્વાસ દર્શાવી રહ્યા છે. દેશભરમાંથી ક્રિકેટ રસિયાઓ અમદાવાદમાં ઉતરી જ પડ્યા છે. સવા લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પ્રેક્ષકો સરળતાથી પહોંચી શકે તે માટે ટ્રાફિકથી માંડીને સુરક્ષા સુધીની તમામ જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ દરમ્યાન સ્ટેડિયમ સતત ભારતની ફેવરમાં ગુંજતું રહે તે સ્પષ્ટ છે. વર્લ્ડ ફાઇનલમાં ઇતિહાસમાં પ્રથમ વખત રંગારંગ તથા અદ્ભૂત સમાપન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. ક્રિકેટના રોમાંચની સાથોસાથ ઝાકમઝાળ પણ આકર્ષણ સર્જનારી રહેશે.
ગુજરાતમાં શિયાળાના આગમન સાથે વાતાવરણ સ્વચ્છ છે. એટલે વરસાદી વિઘ્નની ચિંતા નથી છતાં ક્રિકેટ રસિયાઓમાં હવામાન તથા પીચના પ્રકાર વિશે ઉત્કંઠા-અટકળો પ્રવર્તી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11માંથી કઇ પીચ પસંદ થશે અને બોલીંગ વિકેટ હશે કે સ્પીનરોને હશે તે વિશે પણ અટકળો છે. બેટીંગ વિકેટના સંજોગોમાં હાઇ સ્કોરીંગ મેચ બની શકે છે.
વર્લ્ડકપ ફાઇનલ વિશે ક્રિકેટરસિકોમાં તો જબરદસ્ત ક્રેઝ છવાયેલો રહ્યો જ છે ત્યારે દેશ-વિદેશના મહાનુભાવો-સેલીબ્રીટી પણ હાજર રહેવાના છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલીયન નાયબ વડાપ્રધાન રીચર્ડ માર્લ્સ સાથે બેસીને મેચ જોઇને પોતપોતાની ટીમના જાુસ્સા વધારશે. આ ઉપરાંત અમીત શાહ સહિતના કેન્દ્રીય પ્રધાનો તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો હાજરી આપશે. ઉદ્યોગ માંધાતાઓ અંબાણી-અદાણી વગેરે પરિવાર સાથે ફાઇનલ જંગ નિહાળવા ઉપસ્થિત રહેવાના છે તેવી જ રીતે બોલીવૂડ સ્ટાર-સેલીબ્રીટીની પણ હાજરી રહેશે. બચ્ચન-રજનીકાંતથી માંડીને શાહરૂખ સહિત ડઝનબંધ સેલીબ્રીટીની ઉપસ્થિતિની સંભાવના છે.