ગુજરાત

અંગદાન ક્ષેત્રે દેશભરમાં ગુજરાતનું ગૌરવ બન્યું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ

અંગદાન ક્ષેત્રે દેશભરમાં ગુજરાતનું ગૌરવ બન્યું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ

20 વર્ષથી સતત અંગદાનને જીવંત રાખતી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ

ભારત સરકાર દ્વારા દિલ્હી ખાતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટનું થયું સન્માન

 

શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાંથી આ દુનિયામાંથી જતા જતા પણ કોઈ અન્ય મનુષ્યનું જીવન અમર બનાવી શકાય છે. રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 16 મહિનાની દીકરીથી માંડીને 68 વર્ષના પુરુષ સુધીના કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ અંગદાન કરેલ છે તેના દાખલા છે અને તેમના અંગો થકી બીજા વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું છે. બ્રેઇન ડેડ વ્યક્તિના મૃત્યુ પછી માત્ર શરીરના અંદરના અંગોનું દાન કરી શકીએ જયારે સામાન્ય મૃત્યુ બાદ માત્ર ચક્ષુદાન અને ત્વચાદાન કરી શકીએ.

 

અંગદાનના કાર્યક્ષેત્રમાં 20 વર્ષથી અવિરત યોગદાન આપનાર અને અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતની આગવી ઓળખ બનાવવા માટે કાર્યરત ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ ને ભારત સરકારનાં NOTTO (National Organ & Tissue Transplant Organisation) દ્વારા દિલ્હી ખાતે “સપોર્ટિવ એનજીઓ” એવોર્ડ, આ રાષ્ટ્રીય સ્તરની વિશિષ્ટ માન્યતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જયપ્રકાશ નડ્ડાના હસ્તે એનાયત થયો.

 

આ ગરિમાપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જયપ્રકાશ નડ્ડાની સાથોસાથ શ્રીમતી નિવેદિતા શુક્લા વર્મા (સેક્રેટરી, રસાયણ અને પેટ્રોરસાયન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર, પ્રો. (ડૉ.) સુનીતા શર્મા (આરોગ્ય સેવા મહાનિદેશક, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર), વિજય નેહરા (જોઈન્ટ સેક્રેટરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ) ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

 

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના ડૉ. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, મિતલ ખેતાણી, ભાવનાબેન મંડલી સહિતનાઓએ દિલ્હી ખાતે વિનમ્રતા પૂર્વક આ એવોર્ડ સ્વીકાર કર્યો હતો અને તેમણે જણાવાયું હતું કે, આજે ટીમમાં વિક્રમ જૈન, ડૉ. તેજસ કરમટા, નીતિન ઘાટલિયા અને ભાવેશ ઝીંઝુવાડિયા જેવા અનેક સમર્પિત ટ્રસ્ટીઓ અને સત્તાવાર દવાખાના જોડાયેલા છે. આ એવોર્ડ માત્ર સંસ્થાનું જ સન્માન નથી, પરંતુ સમગ્ર સમાજની માનવતાની ભાવનાનું પ્રતિબિંબ છે. તેઓએ તમામ અંગદાતા પરિવારજનો, સોટ્ટો ગુજરાત, IKDRC, વિવિધ મીડિયા સંસ્થાઓ, ડોક્ટર મિત્રો, હોસ્પિટલો, અને સરકારી તંત્રનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો કે જેમના સહયોગથી આ 20 વર્ષનો સફર શ્રદ્ધા અને સત્યનિષ્ઠાથી પુરાયો છે.

 

અંતિમ ઈચ્છા સ્વરૂપે અંગદાન જાગૃતિ માટે સંસ્થાએ ઘણા સફળ કાર્યક્રમો આયોજન કર્યા છે, જેમાં સૌથી નોંધપાત્ર 1 ફેબ્રુઆરી 2024ના રોજ રીબડા ખાતે 1 લાખથી વધુ લોકોએ એકસાથે અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી, જે રાજયસ્તરે એક રેકોર્ડ બની રહ્યો છે. તેમજ અંગદાન માટે જાગૃતિ ફેલાવવા માટે શોર્ટ ફિલ્મ “દિવ્યદાન” (https://youtu.be/uLAowxpgwfk?si=Qpui51RuopKj8-k), મીડિયા પ્રવૃત્તિઓ, પેમ્પલેટ વિતરણ, જનજાગૃતિ સેમિનાર, શપથ ગ્રહણ, ડોક્ટર/પેરા મેડિક્સ માટે વર્કશોપ તથા અંગદાતા પરિવારજનોના સન્માન સમારંભો પણ સમાવેશ થાય છે.

આજ સુધી સંસ્થાએ 119 કેડાવેરિક અંગદાતાઓનું સંચાલન કરીને 235 કિડની, 100 લીવર, 6 હૃદય, 3 ફેફસા, 12 ત્વચા તથા અનેક આંખોના દાન કરાવવામાં આવ્યા છે. સંસ્થાનું મૂળ સૂત્ર મુજબ, “અંગો વેચી શકાય નહીં, માત્ર દાન આપી શકાય” – જેવાં સંદેશો દ્વારા લોકોમાં જીવતા રકતદાન, મૃત્યુ પછી ચક્ષુદાન, ત્વચાદાન અને દેહદાન, બ્રેઇન ડેડ સમયે અંગદાનની સમજણ અને સ્વીકૃતિ વધારવાનો અભિગમ રાખવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button