ગુજરાત પોલીસ દ્વારા ૧૮મી ડીજીપી ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
ગુજરાત પોલીસ દ્વારા ૧૮મી ડીજીપી ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
ક્રિકેટ ટુર્નામેન્ટથી ફિટનેસ, ‘નો ડ્રગ્સ’નો સંદેશ અને રમતગમતના મહત્વ વિષે જાગૃતિ ફેલાવવાનો ગુજરાત પોલીસનો પ્રયાસ: ગૃહરાજ્યમંત્રી
પોલીસની ૧૭ ટીમોના ૩૬૮ ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાત પોલીસ દ્વારા સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે ૧૮મી ડીજીપી ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. પોલીસની ૧૭ ટીમોના ૩૬૮ ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ દ્વારા છેલ્લા ૩૧ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. ક્રિકેટની મેચમાં હાર જીત નહી પણ ટીમ સ્પિરિટની ભાવના ઉજાગર થાય તેવો ઉમદા હેતુ છે. ઉપરાંત, છેલ્લા ૧૮ વર્ષથી ટી-૨૦ ટુર્નામેન્ટ યોજાય છે.
ક્રિકેટ ટુર્નામેન્ટથી ફિટનેસ, ‘નો ડ્રગ્સ’નો સંદેશ અને રમતગમતના મહત્વ વિષે જાગૃતિ ફેલાવવાનો ગુજરાત પોલીસનો પ્રયાસ છે એમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓ ફિટનેસ પર પૂરતી કાળજી રાખી રહ્યા છે. રમતગમત જીવનમાં પ્રેરણા અને પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. ક્રિકેટ સહિત રમતગમતના પ્લેટફોર્મનો ઉપયોગ માદક દ્રવ્યોના જોખમથી મુક્ત સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કરીએ એવો મત વ્યક્ત કર્યો હતો.
ભાગ લેનારી તમામ ટીમોને શુભકામનાઓ આપતા તેમણે જણાવ્યું કે, ખેલદિલીની ભાવના જાળવી સ્પોર્ટ્સ સાથે સમાજને ઉપયોગી થવાનો હંમેશા ધ્યેય રાખવું એ આપણું કર્તવ્ય છે. ક્રિકેટથી પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેસ જળવાઈ છે. પોલીસ કર્મચારીઓનો તણાવ દૂર થાય તેમજ તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા પણ હેતુ છે.
ડીજીપી ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ પ્રસંગે પરેડ સહિત સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ, ખેલાડીઓ સહિત ક્રિકેટપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.