વતન જતા મુસાફરો માટે કોંગ્રેસનો માનવતાભર્યો ઉપક્રમ

વતન જતા મુસાફરો માટે કોંગ્રેસનો માનવતાભર્યો ઉપક્રમ
ઉધના સ્ટેશન પર ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ
યુપી-બિહાર જતાં મુસાફરોની લાંબી કતારો વચ્ચે અંધાધૂંધી

દિવાળીના પર્વ નિમિત્તે પોતાના વતન તરફ જઈ રહેલા મુસાફરોની ભારે ભીડને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ (યુપી) અને બિહાર જતાં મુસાફરોને ટ્રેનમાં ચઢવા માટે લાંબી લાંબી લાઈનોમાં 10 કલાકથી વધુ સમય ઊભા રહેવાની ફરજ પડી છે.
આ પરિસ્થિતિમાં મુસાફરોની હાલત જોઈ સુરત શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ માનવતાના ધોરણે મદદનો હાથ લંબાવ્યો હતો. પૂર્વ શહેર પ્રમુખ ધનસુખભાઈ રાજપુત તથા ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ ઉધના સ્ટેશન પર હાજર રહી મુસાફરોને ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કર્યું હતું. કોંગ્રેસ આગેવાનો દ્વારા આ તકે રેલવે તંત્ર પર આકરા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “મુસાફરોને પૂરતી સુવિધા આપવાની વાતો કરનાર તંત્ર દિવાળીની અવસરે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે.” તંત્રની અક્ષમતા કારણે હજારો મુસાફરો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આ માનવીય સંકટની ઘડીમાં કોંગ્રેસના આ પ્રયત્નથી વતન જઈ રહેલા અને કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા રહેલા મુસાફરોને થોડી રાહત મળી છે.



