શિક્ષા

કસ્તુરબા અધ્યાપન મંદિર – બોરખડીમાં વિચાર વૈચારિક ક્રાંતિ અભિયાન અંતર્ગત ‘સફળતાનાં સોપાનો’ સેમિનાર યોજાયો  

કસ્તુરબા અધ્યાપન મંદિર – બોરખડીમાં વિચાર વૈચારિક ક્રાંતિ અભિયાન અંતર્ગત ‘સફળતાનાં સોપાનો’ સેમિનાર યોજાયો

 

પરીક્ષાના પરિણામનો ડર રાખ્યા વિના નિર્ભીક બનીને વાચન કરવાથી વાંચેલું વધારે યાદ રહે છે. – રાજેશ ધામેલિયા

 

ઉત્તમ વિચારો થકી જ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે. ભારત વિશ્વમાં સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે. આ યુવાનોમાં વૈચારિક કાંતિ આવે તો ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે. આજના વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ ખીલે તે માટે માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીની પ્રેરણાથી વૈચારિક ક્રાંતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત કસ્તુરબા અધ્યાપન મંદિર – બોરખડી, જિ. તાપીમાં ‘સફળતાનાં સોપાનો’ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમનો પ્રારંભ સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો. ડૉ. પ્રતીકભાઈ વ્યાસે શબ્દપુષ્પથી મહેમાનોનું સ્વાગત કર્યું. માનવતાની મહેક ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ મોરડિયાએ આજના વક્તા શ્રી રાજેશકુમાર ધામેલિયાનો પરિચય આપ્યો હતો અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

 

આ પ્રસંગે શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ઉત્તમ રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષક ખૂબ મોટું યોગદાન આપી શકે છે. શિક્ષક પોતાના આચરણ દ્વારા વિદ્યાર્થીઓનું જીવનઘડતર કરી શકે છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા સૌ પ્રથમ લક્ષ્ય જરૂરી છે, ત્યાર બાદ લક્ષ્યને હાંસલ કરવા આયોજન અને તેનો યોગ્ય અમલ કરવો ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી જીવન દરમિયાન પરીક્ષામાં પ્રથમ ક્રમ લાવવાનું લક્ષ્ય રાખીને અન્ય વ્યક્તિ સાથે હરીફાઈ કરવાને બદલે પોતાનો રેકોર્ડ તોડવાનું લક્ષ્ય રાખવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થી જીવનથી જ આપવાની ભાવના ખીલવવાથી આનંદમય જીવનની પ્રાપ્તિ થાય છે. સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓ દરરોજ વીસ- પચીસ મિનિટ અન્ય મિત્રોને વિષયવસ્તુ શીખવે તો તમામ વિદ્યાર્થીઓનાં પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. વિદ્યાદાન સૌથી શ્રેષ્ઠ દાન છે, જે આપવાથી દરરોજ વધતું ને વધતું જાય છે. પરીક્ષાના પરિણામનો ડર રાખ્યા વિના નિર્ભીક બનીને વાચન કરવાથી વાંચેલું વધારે યાદ રહે છે. સ્વામી વિવેકાનંદે નિર્ભય બનવાનો સંદેશ આપ્યો છે, તેઓ કહેતા : નિર્ભયતા જીવન છે અને ભય મૃત્યુ છે. આપ સૌ નિર્ભય બનીને આનંદ અને ઉલ્લાસ સાથે અભ્યાસ કરી, ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરો એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ.”

 

આ સેમિનારમાં કર્મયોગી પરિવારના શ્રી લક્ષ્મણભાઈ મોરડિયા, શ્રી અશોકભાઈ અણઘણ, શ્રીમતી હેતલબહેન ધામેલિયા, શ્રી ભાવેશભાઈ સાવલિયા તેમજ શ્રીમતી સંગીતાબહેન બી. દેસાઈ (આચાર્યા શ્રી, કસ્તુરબા અધ્યાપન મંદિર), ડૉ. પ્રતીકભાઈ વ્યાસ (અધ્યાપક), શ્રીમતી અમિલાબહેન આર. ચૌધરી (આચાર્યા શ્રી, ઉત્તર બુનિયાદી વિદ્યાલય – બોરખડી), શ્રી શીંગાભાઈ ચૌધરી, અધ્યાપન મંદિરની તાલીમાર્થી બહેનો અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ વગેર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button