છેલ્લા 4 માસથી પોસ્ટ ઓફિસે એટીએમ કાર્ડ ન ફાળવતા ખાતા ધારકોને હલાકી

છેલ્લા 4 માસથી પોસ્ટ ઓફિસે એટીએમ કાર્ડ ન ફાળવતા ખાતા ધારકોને હાલાકી
વડોદરા જિલ્લામાં શિનોર તાલુકા ના સાધલી મુકામે આવેલ પોસ્ટ ઓફિસ પોતાની સેવાઓ માટે ખૂબ જાગૃત છે. અને મોટાભાગે સ્થાનિક કક્ષાએથી કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખે છે, પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી એટીએમ કાર્ડ ના હોવાના કારણે સિનિયર સિટીઝન તથા વિધવા પેન્શન લેતી મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ભારતીય ડાક વડોદરા સાધલી શાખામાં એટીએમ કાર્ડ તુરત મોકલી આપે એવી ગ્રાહકોની માંગ છે.
પોસ્ટ ખાતાના પૂર્વ ડિવિઝનના નાયબ અધિક્ષક આર. બી. ઠાકોર દ્વારા સાધલી મુકામે તારીખ 27 જુલાઈ 2024 ના રોજ ડાક ચૌપાલ કરીને પોસ્ટ વિભાગની વિવિધ બચત યોજનાઓ અંગે જાહેરમાં માર્ગદર્શન આપ્યું હતું ,જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના મહિલા સન્માન બચત પત્રો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ સહિત વિવિધ યોજનાની માહિતી આપી હતી અને ત્યારબાદ સાધલી પોસ્ટ ઓફિસમાં કામગીરીમાં પણ વધારો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અંતર્ગત એટીએમ કાર્ડ નવા આવતા ના હોવાના કારણે જૂના જે પણ ગ્રાહકો છે, જેમાં સિનિયર સિટીઝનો, વિધવા પેન્શન લેતી મહિલાઓ અગાઉ એ.ટી.એમ. થી ગમે ત્યારે નાણાં લઈ શકતી હતી પરંતુ હાલમાં એ.ટી.એમ કાર્ડ સાધલી શાખામાં ના હોવાના કારણે ઘણી વાર ધક્કા ખાવાનો વારો આવે છે. જેમાં પોસ્ટ ઓફિસની સારી છાપ ને કલંક લાગે છે. સાધલી પોસ્ટ ઓફિસ દ્વારા વડોદરા વળી કચેરીમાં એ.ટી.એમ કાર્ડ માટે લેખિત માંગણી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે ,પરંતુ વડોદરા ખાતેથી ગમે તે કારણોસર આ એ.ટી.એમ કાર્ડ હજુ સુધી સાધલી પોસ્ટ ઓફિસ ને આપવામાં આવેલા ન હોવાના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવ્યો છે. પૂર્વ ડિવિઝનના નાયબ અધિક્ષક આર.બી.ઠાકોર અંગત રસ લઈને સાધલી પોસ્ટ ઓફિસમાં જરૂરી એ.ટી.એમ કાર્ડ મોકલી આપે એ ગ્રાહકોના હિતમાં રહેશે.