વોર્મ-અપ મેચમાં ભારત તરફથી રિષભ પંત, હાર્દિક પંડ્યા અને અર્શદીપ ચમક્યા, બાંગ્લાદેશને 62 રનથી હરાવ્યું

વોર્મ-અપ મેચમાં ભારત તરફથી રિષભ પંત, હાર્દિક પંડ્યા અને અર્શદીપ ચમક્યા, બાંગ્લાદેશને 62 રનથી હરાવ્યું
ન્યૂયોર્કઃ ઋષભ પંતની ફિફ્ટી બાદ હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ અને અર્શદીપ સિંહની જોરદાર બોલિંગની મદદથી ભારતે T20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશને 62 રને હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 120 રન સુધી મર્યાદિત રહી હતી.
ટાર્ગેટનો બચાવ કરવા આવેલી ટીમ ઈન્ડિયા માટે અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. ટીમ ઈન્ડિયા માટે પહેલી જ ઓવરમાં વિકેટ લેવાનું કામ અર્શદીપે કર્યું હતું. અર્શદીપે ઇનિંગમાં 3 ઓવર નાંખી જેમાં તેણે માત્ર 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ ઉપરાંત જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અક્સર પટેલે એક-એક વિકેટ લીધી હતી. છેલ્લી ઓવર બોલિંગ કરવા આવેલા શિવમે બાંગ્લાદેશના બે લોઅર ઓર્ડર બેટ્સમેનોને પણ આઉટ કર્યા હતા.