કોસાડની સ્નેહરશ્મિ પ્રાથમિક શાળા ખાતે મતદાન જાગૃતિ વોકેથોન યોજાઈ

કોસાડની સ્નેહરશ્મિ પ્રાથમિક શાળા ખાતે મતદાન જાગૃતિ વોકેથોન યોજાઈ
વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ગ્રામજનોને મહત્તમ મતદાન માટે પ્રેરિત કર્યા
૭મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે ૧૫૫-ઓલપાડ મત વિસ્તારમાં આવેલી શ્રી સ્નેહરશ્મિ પ્રા.શાળા ક્રમાંક:- ૨૮૫, H-3 કોસાડ આવાસ ખાતે વોકેથોન (રેલી) યોજાઇ હતી. જેમાં શાળાના બાળકોએ સૂત્રોચ્ચાર અને બેનરો વડે ગ્રામજનોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપી હતી. રેલીમાં સૌએ અચૂક મતદાન, સો ટકા મતદાન, ચુનાવ કા પર્વ, દેશકા ગર્વ, પહેલા મતદાન, પછી અન્ય કામ, વધુમાં વધુ મતદાન કરીએ, લોકશાહીનું જતન કરીએ જેવા સૂત્રોના નાદથી સૌને મતદાન માટે જાગૃત થવાની આમ નાગરિકોને પ્રેરણા આપી હતી.
ભૂતકાળમાં ૫૦%થી ઓછુ મતદાન ધરાવતા ૧૫૫-ઓલપાડના વિસ્તારોમાં રેલી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. જેથી લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં મહત્તમ લોકોને મતદાન માટે પ્રોત્સાહન આપી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનાવી મતદાનની સરેરાશ ટકાવારી સુધારી શકાય.
મતદાન જાગૃતિ રેલીમાં ઓલપાડ મામલતદારશ્રી એલ.આર.ચૌધરી, નાયબ મામલતદારશ્રી રાજેશભાઇ દેવગણીયા, નાયબ મામલતદારશ્રી ભુપેશભાઇ ચૌધરી, સુરત મનપાના અધિકારીશ્રી એચ.એલ.પટેલ, દિપકભાઈ સુરતી અને ધીરજભાઇ ચૌધરી સહિત શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓઓએ ભાગ લીધો હતો.