20 જુલાઈ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ

20 જુલાઈ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચેસ રમતપ્રેમીઓને વિશ્વ ચેસ દિવસની શુભેચ્છાઓ પાઠવી
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બકરે સાથે ચેસની રમત રમીને ચેસપ્રેમીઓને પ્રોત્સાહિત કર્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલા પ્રોત્સાહનને કારણે ભારત વિશ્વ ચેસમાં ટોચ પર પહોંચ્યુઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
તાજેતરમાં ભારતીય ચેસ ખેલાડીઓના શાનદાર પ્રદર્શન માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યાં
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 20 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશના ચેસ સમુદાયને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી માટે ચેસ એક પેશન પ્રોજેક્ટ છે અને ખેલાડીઓને તેમના સમર્થન અને પ્રોત્સાહનને કારણે ભારત વિશ્વ ચેસમાં ટોચ પર પહોંચ્યું છે.
ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બકરે સાથે ચેસની એક ટૂંકી રમત રમીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દરેકને ચેસ રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે ચેસની રમત અસંખ્ય ફાયદા ગણાવતાં કહ્યું કે, ચેસની રમત દરેક સમસ્યાનું નિરાકરણ, એકાગ્રતા, યાદશક્તિ, વિચારવાની કુશળતા વધારવાની સાથે ધીરજને પણ પ્રોત્સાહન આપે છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી શ્રી દેવ પટેલને તાજેતરના સમયમાં ભારતીય ચેસ ખેલાડીઓએ મેળવેલા શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતાં.
સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનનારાં શ્રી ડી. ગુકેશ અને ઐતિહાસિક ઓપન અને મહિલા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને પણ મુખ્યમંત્રીશ્રીએ ખાસ અભિનંદન પાઠવ્યાં હતા.
હાલ ચાલી રહેલા મહિલા વિશ્વ કપ 2025ના ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થયેલી ચાર ભારતીય મહિલા ખેલાડીઓને પણ શુભેચ્છા પાઠવીને ભારતીય ખેલાડી જ વિશ્વ કપ જીતે તેવી ઈચ્છા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, “એવરી મૂવ કાઉન્ટ્સ – દરેક ચાલ ગણાય છે” એ 2025ના આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની થીમ છે. આ થીમ આપણને યાદ અપાવે છે કે, ચેસ બોર્ડ હોય કે રોજીંદું જીવન, દરેક ચાલ- નિર્ણય આપણી યાત્રાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.