મહુવા ખાતે રૂપિયા ૩૬.૯૭ કરોડના ખર્ચે કરવામાં આવનાર નહેરોના આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ
કામરેજના બૌધાન પાસે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે રબર ડેમ બનાવવામાં આવશે

સુરત: શનિવારઃ ચોમાસાની ઋતુમાં તાપી નદીનું પાણી દરિયામાં વહી જાય છે એને રોકી ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય એ હેતુથી કામરેજના બૌધાન પાસે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે રબર ડેમ બનાવવામાં આવશે. તેમજ રુંઢ મગદલ્લા પાસે પણ તાપી નદી પર બેરેજ બનાવવામાં આવશે એમ મહુવા ખાતે ૩૬.૯૭ કરોડના ખર્ચે નહેરોના આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
સુરત જિલ્લાના મહુવા ખાતે આવેલી દિવાળી બા કોલેજ ખાતે યોજાયેલા નહેરોના આધુનિકીકરણના કામોના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નહેરોનું તબક્કાવાર નવીનીકરણ થઇ શકે એ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૩-૧૪ના બજેટમાં રૂપિયા ૧૫૦૦ કરોડની જોગવાઈ કરી હતી.
જેના કારણે નહેરોનું આધુનિકરણ થવાથી નહેરની ક્ષમતા વધતાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળતા ખેડૂતો બારમાસી પાક લઇને વધુ ઉપજ મેળવી શકે છે એમ જણાવી તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા કૃષિ મહોત્સવને કારણે કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી ખેડૂતો આધુનિક ખેતી કરી સારી આવક મેળવતા થયા હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
વધુ વાત કરતા મંત્રી પટેલે ઉમેર્યુ હતું કે પ્રધાનમંત્રીએ પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને મંજૂરી આપવાના લીધેલા સરાહનીય નિર્ણયને કારણે હવે ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવાના પ્લાન્ટ કાર્યરત થશે. જેનાથી ડાંગર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો વધુ સારી આવક મેળવી શકશે એમ જણાવ્યું હતું.
પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે અને પાણીની બચત પણ એ દિશામાં સરકાર સતત ચિંતિત છે એમ કહી તેમણે સરકારે ટપક સિંચાઇ માટે રૂપિયા ૪૮૦ કરોડની જોગવાઈ કરી છે એમ જણાવી ખેડૂતો વધુમાં વધુ ટપક સિંચાઇ કરતા થાય એ માટે અનુરોધ કર્યો હતો.