શિક્ષા

આધુનિક જીવનશૈલી અને સાંપ્રત સમસ્યાઓનું સમાધાન : ‘ગ્રંથરત્ન શિક્ષાપત્રી’   

આધુનિક જીવનશૈલી અને સાંપ્રત સમસ્યાઓનું સમાધાન : ‘ગ્રંથરત્ન શિક્ષાપત્રી’                                

 કેટલાક લોકો એવું કહેતા હોય છે કે, ભ્રષ્ટાચાર કરવાની તક મળે તો કરી લેવાનો; પછી તેના પાપથી બચવા પૈસા ધાર્મિક કાર્યમાં વાપરવાના…

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓને કારણે એકબીજાનું ખૂન કરી નાખવું, આત્મહત્યા કરી લેવી તેવી ઘટનાઓ છાશવારે બની રહી છે.

હાલના સમયમાં પૈસાદાર માણસ વધારે પૈસાદાર અને ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે; તેનાં ઘણાં કારણો છે. ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે તેનું મુખ્ય કારણ છે : સામાજિક રિવાજોમાં આવક કરતાં વધારે ખર્ચ કરવો.

આજે વિક્રમ સંવત ૨૦૮૨, મહા સુદ પંચમી – વસંત પંચમીનો પાવન દિવસ છે. આજથી બસો વર્ષ પહેલાં સંવત ૧૮૮૨ અઢારસો બ્યાસીના મહાસુદ પંચમીને દિવસે સર્વ જીવોના હિત માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલ મુકામે શિક્ષાપત્રી લખી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાને ૩૫૦ જેટલાં ગ્રંથોનો સાર લઈને માત્ર ૨૧૨ શ્લોકમાં આદર્શ જીવન જીવવાની આચાર સંહિતારૂપ શિક્ષાપત્રી આપણને આપી છે. જગતના સર્વ ધર્મના તમામ લોકો માટે શિક્ષાપત્રી ઉપયોગી છે, આથી તેને ‘ગ્રંથરત્ન શિક્ષાપત્રી’ કહેતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. વિશ્વભરમાં વસતા કરોડો લોકો આ શિક્ષાપત્રીમાં દર્શાવેલા નિયમોનું પાલન કરીને સદાચારી અને વ્યસનમુક્ત થઈને આનંદમય જીવન જીવી રહ્યા છે. આજે વિશ્વમાં જોવા મળતી તમામ સમસ્યાઓનું નિરાકરણ શિક્ષાપત્રીમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે તેમ છે. સાંપ્રત સમયમાં પારિવારિક સમસ્યાઓથી લઈને વૈશ્વિક સમસ્યા પર આછેરી નજર કરીએ અને શિક્ષાપત્રીમાં દર્શાવેલ તેના ઉપાયો અંગે ચિંતન-મનન કરીએ.

તમામ ધર્મોમાં અહિંસાને શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે, છતાં ઘણા લોકો પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓની હિંસા કરી રહ્યા છે; પણ જીવો અને જીવવા દો – આ સૂત્રને આચરણમાં લાવવાથી જ સાચું સુખ પ્રાપ્ત થઈ શકે. આથી કહ્યું છે :

कस्यापि प्राणिनो हिंसा नैव कार्याऽत्र मामकै: ।

सूक्ष्मयूकामत्कुणादेरपि बुद्धया कदाचन ।।११।।

હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવપ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી. ।।૧૧।।

देवतापितृयागार्थमप्यजादेश्च हिंसनम्‌ ।

न कर्तव्यमहिंसैव धर्म: प्रोक्तोऽस्ति यन्महान्‌ ।।१२।।

અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. ।।૧૨।।

હાલમાં પારિવારિક સમસ્યાઓનું પ્રમાણ ખૂબ વધેલું જોવા મળે છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓને કારણે એકબીજાનું ખૂન કરી નાખવું, આત્મહત્યા કરી લેવી તેવી ઘટનાઓ છાશવારે બની રહી છે. આત્મહત્યાથી બચવા માટે ૧૪મા શ્લોકમાં કહ્યું છે :

आत्मघातस्तु तीर्थेऽपि न कर्तव्यश्च न क्रुधा ।

अयोग्याचरणात्‌ क्वापि न विषोद्बन्धनादिना ।।१४।।

અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને કયારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો. ।।૧૪।।

આજનો માણસ ઝડપથી પૈસાદાર થવા માટે ડિજિટલ એરેસ્ટ, યેનકેન પ્રકારેણ બૅન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લેવા (ફ્રોડ), ચોરી વગેરે જેવા ટૂંકા રસ્તાઓ અપનાવી રહ્યો છે. આવાં કૃત્યોથી લોકોને તો દુ:ખી કરે છે અને છેવટે પોતાને પણ દુ:ખી થવાનો વારો આવે છે, તેનાથી બચવા માટે કહ્યું છે :

स्तेनकर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित्‌ ।

सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञया ।।१७।।

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી, કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ, તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ।।૧૭।।

કેટલાક લોકો એવું કહેતા હોય છે કે, ભ્રષ્ટાચાર કરવાની તક મળે તો કરી લેવાનો; પછી તેના પાપથી બચવા પૈસા ધાર્મિક કાર્યમાં વાપરવાના. આવું વિચારનારને ચેતવતા કહ્યું છે :

अपि भूरिफलं कर्म धर्मापेतं भवेद्यदि ।

आचर्यं तर्हि तन्नैव धर्म: सर्वार्थदोऽस्ति हि ।।७३।।

અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ, તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું; કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. ।।૭૩।।

યુવાનો કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે પકડાયાના સમાચારો પણ વારંવાર વાંચવા મળે છે. વ્યસન, વ્યભિચાર જેવા દુષણોમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે. પરસ્ત્રી-પુરુષના સંબંધોને કારણે ખૂનની ઘટનાઓ બની રહી છે. આ તમામ દુર્ગુણોથી બચવા માટેનો ઉપાય પણ અહીં બતાવો છે :

व्यभिचारो न कर्तव्य: पुम्भि: स्त्रीभिश्च मां श्रितै: ।

द्यूतादिव्यसनं त्याज्यं नाद्यं भङ्गादिमादकम्‌ ।।१८।।

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનાર વસ્તુ, તે ખાવી નહિ અને પીવી પણ નહિ. ।।૧૮।।

પાન, માવા, ગુટખાનો વ્યસની માણસ ક્યાં થૂંકવું – ક્યાં ન થૂંકવું તેનું પણ ભાન રાખતો નથી. ગુજરાતમાં વસતા ગુજરાતીઓ તો થૂંકવા બાબતે કુટેવો ધરાવે છે, પણ વિદેશમાં જઈને પણ આ કુટેવ છોડી શકતા નથી ! આથી લંડન અને લંડનની બહાર ગુજરાતીઓ ગંદકી ન કરી એ માટે 150 પાઉન્ડના દંડ સાથે ગુજરાતીમાં બોર્ડ મૂકવા પડ્યા : ‘માવા ખાઈને થૂંકવું નહીં’ – શિક્ષાપત્રીમાં આપેલી આજ્ઞાનું પાલન કરીએ તો આવી બદનામીથી બચી શકીએ.

स्थानेषु लोकशास्त्राभ्यां निषिद्धेषु कदाचन ।

मलमूत्रोत्सर्जनं च न कार्यं ष्ठीवनं तथा ।।३२।।

લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યાં એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે કયારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહિ. ।।૩૨।।

હાલના સમયમાં પૈસાદાર માણસ વધારે પૈસાદાર અને ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે; તેનાં ઘણાં કારણો છે. ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે તેનું મુખ્ય કારણ છે : સામાજિક રિવાજોમાં આવક કરતાં વધારે ખર્ચ કરવો. અન્ય લોકોએ કર્યું એટલે આપણે કરવું પડે. આ દેખાદેખી અનેક દુ:ખોનું કારણ છે; એનાથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય :

आयद्रव्यानुसारेण व्यय: कार्यो हि सर्वदा ।

अन्यथा तु महद्‌दु:खं भवेदित्यवधार्यताम्‌ ।।१४५।।

અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતાં વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે; એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. ।।૧૪૫।।

સાંપ્રત સમસ્યાઓમાં વૃદ્ધાશ્રમની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે, જે દુ:ખદ બાબતે છે. જે માતાપિતાએ અનેક યાતનાઓ વેઠીને લાલનપાલન કર્યું હોય તેની ઘડપણમાં સેવા કરવી એ આપણી ફરજ છે. આથી સંતાનોને ઉપદેશ આપતાં કહ્યું છે :

यावज्जीवं च शुश्रूषा कार्या मातु: पितुर्गुरो: ।

रोगार्तस्य मनुष्यस्य यथाशक्ति च मामकै: ।।१३९।।

અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. ।।१३९।।

ઉપરોક્ત બધી બાબતોનું આજના યુવાનો પાલન કરે તે માટે તેને સંસ્કારયુક્ત શિક્ષણ મળે તે અત્યંત જરૂરી છે, આ માટે શ્રેષ્ઠ શાળાઓ જરૂરી છે; આથી કહ્યું છે :

संस्थाप्य विप्रं विद्वांसं पाठशालां विधाप्य च ।

प्रवर्तनीया सद्‌विद्या भुवि यत्सुकृतं महत्‌ ।।१३२।।

અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદ્‌વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. ।।૧૩૨।।

આજનો માનવી શિક્ષાપત્રીમાં દર્શાવેલા નિયમોનું પાલન કરશે તો જ આનંદમય જીવન જીવી શકશે. મન ફાવે તેવું આચરણ કરનાર ક્યારેય સાચું સુખ પ્રાપ્ત કરી શકશે નહીં. આથી આ આજ્ઞાઓનું પાલન કરવા ભાર મૂકતાં કહ્યું છે :

वर्तिष्यन्ते य इत्थं हि पुरुषा योषितस्तथा ।

ते धर्मादि चतुर्वर्गसिद्धिं प्राप्स्यन्ति निश्चितम्‌ ।।२०६।।

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જેતે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. ।।૨૦૬।।

नेत्थं य आचरिष्यन्ति ते त्वस्मत्सम्प्रदायत: ।

बहिर्भूता इति ज्ञेयं स्त्रीपुंसै: साम्प्रदायिकै: ।।२०७।।

અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે. એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું. ।।૨૦૭।।

માત્ર તિલક-ચાંદલો કરવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થવાતું નથી. જે ભગવાને કહેલી આજ્ઞાઓનું પાલન કરે છે, તે જ સાચો સત્સંગી છે. સાચો સત્સંગી ભગવાનની કૃપાએ સદાય સુખી રહે છે.

લોકોના મુખેથી વારંવાર સાંભળવા મળે છે : “સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી સુખી હોય છે.” હા, આપની વાત સાચી છે. આ સ્વામિનારાયણ ભગવાનાની કૃપા અને ‘શિક્ષાપત્રી’માં આપેલ નિયમના પાલનનો ચમત્કાર છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી ‘ગ્રંથરત્ન શિક્ષાપત્રી’ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં છેલ્લાં બે વર્ષથી અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી. આજથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર – અમદાવાદમાં ત્રિદિવસીય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે; જેનો અસંખ્ય લોકોને અણમોલ લહાવો મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button