28 જૂલાઈ, “માતા-પિતા દિવસ”
ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
દર વર્ષે જુલાઇ મહિનાનાં ચોથા રવિવારે “પેરેન્ટ્સ ડે” ઉજવવામાં આવે છે. સૌ પ્રથમવાર આ દિવસ 8 મે, 1973નાં રોજ ઉજવવામાં આવ્યો હતો. સત્તાવાર રીતે “પેરેન્ટ્સ ડે”ની શરૂઆત વર્ષ 1994માં અમેરિકામાં કરવામાં આવી હતી. કોરિયામાં તો માતૃ દિવસનાં દિવસે જ “પેરેન્ટ્સ ડે” ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના કારણે દક્ષિણ કોરિયામાં દર વર્ષે 8 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ માતા-પિતા પ્રત્યે આભાર અને સન્માન પ્રકટ કરવાનો છે. માતા-પિતાને ઇશ્વરનું સ્થાન આપવામાં આવ્યું છે. મા મમતાનું સાગર છે તો પિતા ખુશીઓનો ભંડાર છે જે પોતાના બાળકોને નિ:સ્વાર્થ ભાવથી પ્રેમ કરે છે. માતા-પિતાના અથાગ પરિશ્રમથી બાળકોનું ભરણ-પોષણ થાય છે. આ માટે જ તેમને ભગવાનનું સ્થાન આપવામાં આવે છે. આ દિવસ બાળકો પાછળ માતાપિતાના નિઃસ્વાર્થ અને અવિરત પ્રયાસની પ્રશંસા કરવાનો દિવસ છે. બાળકનાં જીવનને આકાર આપવા માટે માતા-પિતા mother father જે બલિદાન આપે છે તેની પ્રશંસા કરવાનો આ દિવસ છે. તેઓ કોઈ પણ સંજોગોનો હિંમતપૂર્વક સામનો કરીને પોતાના બાળકને વિશ્વની વાસ્તવિકતાની કઠોરતામાંથી બચાવે છે. જેમ જેમ વ્યક્તિ પુખ્ત વયના વિશ્વમાં ચઢે છે ત્યારે કારકિર્દી, સામાજિક અને અંગત જીવનનો સામનો કરીને, રોજિંદા જીવનની અરાજકતા અને ધમાલ વચ્ચે ઘણીવાર વ્યક્તિ પોતાના માતાપિતાને સમય નથી આપી શકતો તેથી તેમને એકલતાનો અનુભવ પણ થતો હોય છે એવા સમયે આ પ્રકારના દિવસોને નિમિત્ત બનાવીને માતા પિતા સાથે થોડો સમય વિતાવીએ અને એમને કરેલા બલિદાનો બદલ તેમનો આભાર માનીએ.