મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે ભટારમાં સુરત મનપાના હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી

મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે ભટારમાં સુરત મનપાના હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી
ઓટોમેટિક હોટ મિક્સ પ્લાન્ટનું મ્યુ. કમિશનરે નિરીક્ષણ કર્યું
દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટિરિયલ પૂરૂ પાડવાની તકેદારી લેવા અધિકારીઓને સૂચના આપી
શહેરના વિવિધ ઝોનમાં રોડ રસ્તાઓના રિપેરિંગ, પેચવર્ક, રિસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોનના ભટારમાં કાર્યરત બે હોટ મિક્સ પ્લાન્ટની મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી. તેમણે રોડ નિર્માણના ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ્સના ગ્રેડેશન, મટીરીયલ્સનું ટેમ્પરેચર અને કોમ્પ્યુટરાઈઝ્ડ ઓટોમેટીક પ્લાન્ટના મિકસ્ચરનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રીડ મટીરિયલ, સ્ટોન ડસ્ટ, ડામર તેમજ મિશ્રણ પ્રક્રિયા, પ્લાન્ટની કાર્યક્ષમતા નિહાળવા સાથે હોટ મિક્સ પ્લાન્ટના મશીનોની કામગીરી અને જાળવણીની વિગતો મેળવી હતી. તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત માર્ગો નિર્માણ માટે મિશ્રણમાં ધોરણોનું પાલન અતિઆવશ્યક છે. તેમજ સમયસર અને સુવ્યવસ્થિત કામગીરી માટે પ્લાન્ટના મશીનરીને નિયમિત કાર્યરત રાખવી જરૂરી છે. શહેરીજનો શ્રેષ્ઠ ગુણવત્તાવાળા માર્ગોનો ઉપયોગ કરે એ માટે મિશ્રણ પ્રક્રિયામાં તમામ તકનીકી ધોરણોનું પાલન અનિવાર્ય છે, ત્યારે દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટિરિયલ પૂરૂ પાડવાની સંપૂર્ણ તકેદારી લેવા અધિકારીઓને કમિશનરશ્રીએ સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન મ્યુ.ઈજનેર, રોડ વિભાગના અધિકારીઓ, તાંત્રિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.