શહેર પોલીસના વિવિધ ડિપાર્ટમેન્ટમાં મહિલા અને બાળકો માટે પ્રશંસનીય કાર્ય કરનાર પોલીસ કર્મચારી અને અધિકારીઓનું કરાશે સન્માન, સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલીવુડ અભિનેતા અને ગદર ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનાર મનીષ વાઘવા રહેશે ઉપસ્થિત
અનીસ સંસ્થા દ્વારા અલયાન્સ એમ્બ્રોડરી પ્રસ્તુત કર્મ ભૂષણ એવોર્ડ સમારોહનું આયોજન
સુરત: મહિલા અને બાળકો માટે કાર્ય કરતી અને 28 વર્ષથી કાર્યરત એવી અપમૃત્યુ નિવારણ સહાય (અનીસ) સંસ્થા દ્વારા અલાયન્સ એમ્બ્રોડરીના સહયોગથી 9 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગે કર્મ ભૂષણ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત આ એવોર્ડ સમારોહમાં શહેર પોલીસના વિવિધ વિભાગ અને બ્રાન્ચના ફરજ બજાવતા એવા પોલીસ કર્મીઓ અને અધિકારીઓને એવોર્ડ આપી સન્માનિત કરાશે કે જેઓએ મહિલા અને બાળકો માટે પ્રશંસનીય કામગીરી કરી છે. આ સમારોહમાં સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલીવુડ અભિનેતા અને ગદર ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનાર મનીષ વાધવા ઉપસ્થિત રહેશે.
આ અંગે અનીસ સંસ્થાના પ્રેસિડેન્ટ ગીતા શ્રોફ એ જણાવ્યું હતું કે અનીસ સંસ્થા છેલ્લા 28 વર્ષથી મહિલાઓ અને બાળકો માટે કાર્ય કરી રહી છે. પોલીસ ડીપાર્ટમેન્ટ પણ હંમેશા લોકોની સુરક્ષા માટે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ખડે પગે ફરજ બજાવતી હોય છે. ત્યારે આવા કર્મશીલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવે તેવા વિચાર સાથે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય સહયોગ અલાયન્સ એમ્બ્રોડરીના સુભાષભાઈ ડાવર નો રહ્યો છે. અલયાન્સ એમ્બ્રોડરી પ્રસ્તુત કર્મ ભૂષણ એવોર્ડ સમારોહનું આયોજન 9 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગે સંજીવ કુમાર ઓડીટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ ભાઈ પાનશેરિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને ગદર ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનાર બોલિવૂડ અભિનેતા મનીષ વાધવા ઉપસ્થિત રહેશે. એવોર્ડ સમારોહમાં શહેર પોલીસના વિભિન્ન પોલીસ મથકો, બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસમાં મહિલાઓ અને બાળકો માટે પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ કર્મચારીએ અને અધિકારીઓને એવોર્ડ એનાયત કરાશે. સાથે જ પોલીસ કમિશનર અજય કુમાર તોમરને લાઈફ ટાઇમ એચિવમનેટ એવોર્ડથી સન્માનિત કરાશે. આલિયા ફેબ્રિક્સ અને જય વિજય પ્રિન્ટ દ્વારા એક્સક્લૂઝિવ લેડીઝ શુટ પણ પોલીસકર્મીઓને આપવામા આવશે. આ ઉપરાંત ટ્રાઇ સ્ટાર હોસ્પિટલ દ્વારા દર વર્ષે આપવામાં આવતો મેડલ આ વખતે કોરોના મહામારી સમયે શહેરીજનો માટે પ્રશંસનીય કામગીરી કરવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવશે. સાથે જ શહેરમાં ટ્રાફિક બ્રિગેડ નું સંચાલન કરનાર અને સીસીટીવી કેમેરા પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટને પણ એવોર્ડ એનાયત કરાશે. એવોર્ડની સાથે જ અનેક પ્રકારના ઉપહાર પણ આપવામાં આવશે.