મહુવા તાલુકાના ઉમરા ગામના કીર્તિબેન પટેલના જીવનને ઉજ્જવલા યોજનાએ કર્યું ઉજ્જવળ

સુરત:બુધવાર:- પ્રજાની સુખાકારી અને તેમના હિત માટે સદાય ખડેપગે રહેતી રાજ્ય અને કેન્દ્ર સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓથી છેવાડાના માનવીનું જીવન ધોરણ ઉચું આવે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. પછી એ છેવાડે વસતા ગામડાના માનવી હોય કે, સુખ સુવિધાઓથી સજ્જ શહેરમાં વસતા શહેરીજન. કેન્દ્ર સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનને સરળ બનાવવા અનેક યોજનાઓને મૂર્તિમંત કરી છે, જેનો બહોળો લાભ છેવાડાના ગામોના લોકોને પણ મળી રહ્યો છે. ત્યારે મહુવા તાલુકાના ઉમરા ગામના કીર્તિબેન પટેલના જીવનને ઉજ્જવલા યોજનાએ ઉજ્જવળ કર્યું છે
મહુવા તાલુકાના ઉમરા ગામના નાવડીવાડ ફળિયામાં રહેતાં ૩૭ વર્ષીય કીર્તિબેન સતીષભાઇ પટેલે કહ્યું કે, ભારત સરકારની ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ હેઠળ વિનામૂલ્યે ગેસ કનેકશન મળ્યું છે. ગેસ મળવાથી ધૂમાડામાંથી મુક્તિ મળી છે, સાથે સમયની પણ બચત થઈ છે. હવે સમયસર ધૂમાડામુક્ત રસોઈ બનાવી શકું છું. પહેલા અમે જંગલમાં દૂર સુધી લાકડાઓ લેવા જતા હતા. ગરમીના સમયે ચૂલા પર રાંધવું ખૂબ પીડાદાયક હતું. પણ ઉજ્જવલા યોજનાએ આ તમામ હાડમારીઓથી છૂટકારો અપાવ્યો છે.
સરકાર અમારા જેવા અનેક લોકોને ચિંતા કરી રહી છે. સપને પણ ન વિચારેલું સપનું સરકારે પૂરૂ કર્યું છે, વર્ષોથી ચુલા પર રાંધતા હતા પરંતુ સરકારની ઉજ્જવલા યોજના થકી આજે મારા જેવા અનેક ગરીબ પરિવારની બહેનો ગેસ પર રસોઈ બનાવતી થઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી ગામે ગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ’ ફરી રહ્યો છે, ત્યારે છેવાડાના અમારા જેવા લાભાર્થીઓને ઘર આંગણે વિવિધ યોજનાનો લાભ મળી રહ્યો છે. તે બદલ કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. સાચેજ વડાપ્રધાનશ્રીએ અમારા જેવી લાખો મહિલાઓને ગેસ કનેકશન આપીને ધુમાડામાંથી મુકિત અપાવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.