બેટી બચાઓ બેટી પઢાઓ’ની ઉજવણી હેઠળ પરિવાર-સમાજનું ગૌરવ વધારતી દિકરીઓનું સન્માન: શાળામાં ૮૬% સાથે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે અંજીરિયા તન્વી

નારી વંદન ઉત્સવ-૨૦૨૩’
સોશિયલ મિડીયા અને મોબાઈલથી સોશિયલ ડિસ્ટન્સ રાખતી તન્વી ડૉક્ટર બની લોકોની સેવા કરવા ઈચ્છે છે
નિર્ધારિત લક્ષ્ય, ભગવાનમાં શ્રધ્ધા અને પોતાના પર આત્મવિશ્વાસથી બધુ જ શક્ય છે: તન્વી અંજીરિયા
સુરત: ગુરુવાર: ‘where there is a will, there is a way’ આ ઉક્તિને યથાર્થ સાબિત કરતી કતારગામની તન્વી અંજીરિયાએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જીવન ભારતી શાળામાં પ્રથમ ક્રમ મેળવી પરિવાર-સમાજની સાથે દિકરીઓનું ગૌરવ પણ વધાર્યું છે. રાજ્યવ્યાપી ઉજવાય રહેલા ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ ૧૦ અને ૧૨માં ટોપ ૧૦ દિકરીઓનું પ્રશસ્તિ પત્ર અને રૂ.૫૦૦૦ના પ્રોત્સાહક ઈનામ વડે સન્માન કરાયું હતું.
તન્વીના પિતા ડાઇંગ મિલમાં નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાનાં સાથ–સહકારને આપતી તન્વી કહે છે કે, આખા વર્ષ દરમિયાન મારા માતા પિતા અને આખા પરિવારે મારી નિયમિતતાનું ધ્યાન રાખ્યું. મારા ખાવા પીવાની સાથે મારી તબિયત અને મારા સુવા-ઊઠવાના સમયનું પણ ધ્યાન રાખ્યું. હું નિત્ય સવારે ૪:૦૦ થી ૪:૩૦ વચ્ચે ઊઠીને વાંચન કરતી હતી.
મોબાઈલના વપરાશ વિષે પૂછાતા તન્વી કહ્યું કે, મેં મોબાઈલ અને સોશિયલ મીડિયાથી ખૂબ ડિસ્ટન્સ રાખ્યું હતું. વાતચીત અને અભ્યાસ સંબંધિત વિડીયો સિવાય ખાસ કોઈ વપરાશ નથી કર્યો. જેથી હું મારા સમયની બચત કરીને ટાઈમ શિડ્યુલ પ્રમાણે વાંચન પૂરું કરી શકું.
સમગ્ર શાળામાં પ્રથમ આવનારી તન્વી ધો.૧૨ની સાથે NEET એન્ટ્રસ ટેસ્ટની તૈયારી પણ કરી રહી હતી. તે મેડિકલ ક્ષેત્રે એડમિશન લઈ ડૉક્ટર બનવા માંગે છે અને લોકોની સેવા કરવા ઈચ્છે છે.