પોતાની કલા અને મહેનતથી ‘આત્મનિર્ભર નારી’ના સૂત્રને સાકાર કરતા ‘જય હિન્દ સખી મંડળ’ના રંજનબેન મકવાણા

પોતાની કલા અને મહેનતથી ‘આત્મનિર્ભર નારી’ના સૂત્રને સાકાર કરતા ‘જય હિન્દ સખી મંડળ’ના રંજનબેન મકવાણા
સરકારના સહયોગ અને મેળામાં મળેલા ઉત્તમ પ્રતિસાદથી પ્રોત્સાહન મળ્યું: રંજનબેન
કુદરતી બક્ષિસ સમાન હસ્તકલાનો આજીવિકા માટે ઉત્તમ ઉપયોગ કરનાર રંજનબેન અને તેમની સાથી બહેનો અન્ય બહેનો માટે પ્રેરણારૂપ બની
‘આત્મનિર્ભર સ્ત્રી, આત્મનિર્ભર ગામ’ની થીમ સાથે સુરતમાં યોજાઈ રહેલા સરસ મેળામાં એક સ્ટોલ સૌનું ધ્યાન ખેંચતો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વોકલ ફોર લોકલ’ ના આહવાનને અનુસરીને રાજકોટ જિલ્લાના વીરપુર ગામના રંજનબેન મકવાણા હસ્તકલા ઉત્પાદનો સાથે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.
માત્ર બીજા ધોરણ સુધી અભ્યાસ કરેલા રંજનબેન મકવાણા પોતાની કલા અને મહેનતથી આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે. તેઓ ‘જય હિન્દ સખી મંડળ’ સાથે જોડાયેલા છે અને સમુદ્રના કુદરતી શંખ, મોતી, છીપ, કૌરી જેવા દરીયાઈ પદાર્થો વડે અનોખાં આભૂષણો અને શણગારની વસ્તુઓ તૈયાર કરે છે. કાનના ટોપ્સ, વાળની ક્લિપ, હાર, સાડી પિન, બંગડી, શણગારેલો શંખ, સિંદૂર બોક્સથી લઈને મિરર ડેકોર સુધીની તેમની કૃતિમાં કુદરત અને કલા વચ્ચેનું અદભૂત સંયોજન જોવા મળે છે. ખાસ વાત એ છે કે ૭-૮ અલગ પ્રકારના મોતી વિવિધ રાજ્યોમાંથી લાવીને તેમની પોલિશિંગ અને પ્રોસેસિંગ બાદ આ સુંદર કૃતિઓ તૈયાર થાય છે.
આ વ્યવસાય તેમના સસરાએ ૧૫ વર્ષ પહેલા શરૂ કર્યો હતો, જે આજે પરિવારની આજીવિકા બની ગયો છે. શરૂઆતમાં આ વ્યવસાય માટે તેમને રૂ.૨ લાખનું રિવોલ્વિંગ ફંડ પ્રાપ્ત થયું હતું, જેનો યથાર્થ ઉપયોગ કરીને આજે તેઓ આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. સખી મંડળમાં અમે કુલ ૧૦ બહેનો આ જોડાયેલા છીએ. દર મહિને પ્રત્યેક બહેન આશરે રૂ.૧૫,૦૦૦ સુધીની આવક મેળવે છે.
રંજનબેન કહે છે કે, “આ કળા મારા માટે ફક્ત કમાણીનું સાધન નથી, પણ આત્મસંતોષ આપતું પ્રેરકબળ પણ છે. અમારી સ્વનિર્મિત વસ્તુઓની કિંમત રૂ.૧૦ થી રૂ.૨૫,૦૦૦ સુધીની છે. હાલ અમે સરકાર આયોજિત મેળાઓમાં જ વેચાણ કરીએ છીએ, પરંતુ લોકોના વધતા પ્રતિસાદથી હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં જવાનું અમારૂ સપનુ છે.
સંઘર્ષયાત્રાને યાદ કરતાં રંજનબેન રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં કહે છે કે, સરકારના સહયોગ અને મેળામાં મળેલા ઉત્તમ પ્રતિસાદથી ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. જેના કારણે અમે અમારી કલાને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ.
રંજનબેન માત્ર આર્થિક રીતે મજબૂત નથી બની રહ્યા, પણ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યા છે. કુદરતી બક્ષિસ સમાન હસ્તકલાનો આજીવિકા માટે ઉત્તમ ઉપયોગ કરનાર રંજનબેન અને તેમની સાથી બહેનો અન્ય બહેનો માટે પ્રેરણારૂપ બની છે.