સુરતમાં શ્રી ગણેશજીની 450થી વધુ પ્રતિમાઓનું પુનઃ વિસર્જન

સુરતમાં શ્રી ગણેશજીની 450થી વધુ પ્રતિમાઓનું પુનઃ વિસર્જન
સનાતન ધર્મના પ્રથમ પૂજ્ય શ્રી ગણેશજીની અપમાનજનક સ્થિતિ સામે સંસ્કૃતિક રક્ષા સમિતિની શ્રદ્ધાભેર કાર્યવાહી

સુરત શહેરના પુણા પાટિયા વિસ્તારમાં પુલ નીચે ફેરિયાઓ દ્વારા છોડી દેવાયેલી શ્રી ગણેશજીની ખંડિત તથા અત્યંત અપમાનજનક સ્થિતિમાં રહેલી પ્રતિમાઓ મળી આવતા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે એવી ઘટના સામે આવી છે. ધૂળ-માટી અને અશુદ્ધ સ્થળે રઝળતી હાલતમાં રહેલી આ પ્રતિમાઓની જાણ થતાં ઉધના વિસ્તાર સ્થિત સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા.
ગુપ્ત નવરાત્રિ દરમિયાન આવતી શ્રી ગણેશ ચતુર્થીના પાવન દિવસે, તારીખ 22 જાન્યુઆરી 2026ના વહેલી સવારે શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ શ્રી આશિષ સૂર્યવંશી તથા ગૌસેવકો દ્વારા સનાતન ધર્મના આરાધ્ય અને પ્રથમ પૂજ્ય એવા શ્રી ગણેશજીની અપમાનજનક રીતે તરછોડાયેલી 450 થી વધુ પ્રતિમાઓને શ્રદ્ધા અને સંસ્કાર સાથે એકત્ર કરી દરિયા કિનારે વિધિવત પુનઃ વિસર્જન કરવામાં આવ્યું.
આ પ્રસંગે અધ્યક્ષ શ્રી આશિષ સૂર્યવંશી એ જણાવ્યું કે શ્રી ગણેશજી કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે અને તેમની પ્રતિમાઓ સાથે આવું વર્તન કરવું અતિ દુઃખદ અને નિંદનીય છે. ધર્મની લાગણી દુભાવતી આવી ઘટનાઓ સામે સમાજે એકત્ર થઈ અવાજ ઉઠાવવાની જરૂર છે.
સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા છેલ્લા દસ વર્ષથી અયોગ્ય જગ્યાએ વિસર્જિત થયેલી શ્રી ગણેશજી તથા માતાજીની પ્રતિમાઓનું સંકલન કરી યોગ્ય ધાર્મિક વિધિ સાથે પુનઃ વિસર્જન કરતી આવી રહી છે.
સમિતિ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ધર્મ અપમાન સામે જાગૃત બની અવાજ ઉઠાવે તેમજ પ્રશાસનને વિનંતી છે કે ભગવાનની પવિત્ર પ્રતિમાઓને રઝળતી હાલતમાં મૂકી દેનારા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરે તથા P.O.P. મૂર્તિઓ પર પૂર્ણ પ્રતિબંધ લાગુ કરે.



