સુરતમાં કિન્નર સમાજ અને હરીશ ગુર્જર વચ્ચે મતભેદ બાદ સમાધાન- કિન્નરોની વ્યથા સાંભળી સહાયનો વિશ્વાસ

સુરતમાં કિન્નર સમાજ અને હરીશ ગુર્જર વચ્ચે મતભેદ બાદ સમાધાન- કિન્નરોની વ્યથા સાંભળી સહાયનો વિશ્વાસ
સુરત, 31 ઓક્ટોબર 2025
અશ્વિનીકુમાર વિસ્તારમાં 30 ઓક્ટોબરે એક દુકાનના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન કિન્નર સમાજના કેટલાક સભ્યો અને સમાજસેવક હરીશભાઈ ગુર્જર વચ્ચે થોડીક કહ્યું-સુણી થઈ હતી. બાદમાં પરિસ્થિતિ શાંત રહે તે માટે હરીશભાઈ ગુર્જર પોતે કિન્નર સમાજના ઘર સુધી ગયા અને તેમની હાલત તથા સમસ્યાઓ વિશે વિગતવાર ચર્ચા કરી. આજે, 31 ઓક્ટોબરે, કિન્નર સમાજના તમામ સભ્યો સાથે બેઠક યોજાઈ જેમાં સ્થાનિક અધ્યક્ષ પાયલ કુંવર ઉપસ્થિત રહ્યા. બંને પક્ષે આપસી સમજણથી ચર્ચા કરીને સહમતિનાં કેટલાક મુદ્દા નક્કી કર્યા. ચર્ચા દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે કિન્નર સમાજ હવે ગરીબ મજૂરો, રીડીયા-ફેરીયા કે નાના વેપારીઓ પાસેથી જબરદસ્તી ઉઘરાણી નહીં કરે. મોટા પ્રસંગો, સમારંભો કે સક્ષમ લોકો પાસેથી સ્વૈચ્છિક રીતે મળતો દાન જ સ્વીકારશે. જો કોઈ રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર કિન્નરો તરફથી ખોટી રીતે ઉઘરાણી થાય, તો તેની સીધી ફરિયાદ સ્થાનિક અધ્યક્ષ પાયલ કુંવર પાસે કરવામાં આવે જેથી કોઈ વિવાદ ન સર્જાય. હરીશભાઈ ગુર્જરે બેઠક દરમિયાન જણાવ્યું કે તેઓ સ્થાનિક પારષદ, ધારાસભ્ય, સાંસદ અને વિપક્ષના નેતાઓ સાથે વાત કરીને કિન્નર સમાજને શાસન તરફથી સહાય, સુવિધાઓ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્ન કરશે. તેમણે કહ્યું કે,લઅમારું લક્ષ્ય એ છે કે કિન્નર સમાજની આવતી પેઢી શિક્ષણ, રમતગમત અને વ્યવસાયમાં આગળ વધે, અને તેમને ઘર-ઘર જઈ તાળી પાડી રૂપિયા માંગવાની ફરજ ન રહે. પાયલબેન કુંવરે પણ જણાવ્યું કે કિન્નર સમાજને મૂળભૂત સુવિધાઓ — જેમ કે શિક્ષણ, આરોગ્ય અને રોજગારના અવસર — સરકાર દ્વારા પૂરાં પાડવામાં આવે તો તેઓ પણ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે. આ બેઠક સૌહાર્દપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ, અને બંને પક્ષોએ ભવિષ્યમાં સમાજની એકતા તથા પરસ્પર સન્માન જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
 
				 
					


