રિક્ષાચાલક અને હોમગાર્ડની સતર્કતાથી સચીનના કનકપુરથી ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકી સહી સલામત મળી આવીઃ

રિક્ષાચાલક અને હોમગાર્ડની સતર્કતાથી સચીનના કનકપુરથી ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકી સહી સલામત મળી આવીઃ
સચિન પોલીસ અને હોમગાર્ડની સંયુક્ત કામગીરીથી ગુમ થયેલી નાની બાળકી સહી સલામત માતા-પિતા સાથે પુનઃમિલન કરાવ્યુંઃ
સચિનમાં ગુમ થયેલી બાળકી પરત મળતાં માતાએ આંસુભરી આંખે પોલીસ-હોમગાર્ડ અને રિક્ષાચાલકનો આભાર માન્યો
સુરત શહેરના સચિનના કનકપુર વિસ્તારમાં માનવતા અને જાગૃત નાગરિકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું, જ્યાં ગુમ થયેલી ત્રણ વર્ષીય બાળકી સલામત રીતે પરિવારને મળી ગઈ હતી.
સોમવારના રોજ સ્વામિનારાયણ મંદિર પાસેની જાહેર માર્ગ પરથી એક નાની બાળકી એકલી અટુલી જોવા મળી. સ્થળ પરથી પસાર થનારા રિક્ષા ચાલક દીપકભાઈએ તરત જ આ બાબતની જાણ સચિન હોમગાર્ડ યુનિટના પ્લાટૂન કમાન્ડર પ્રકાશકુમાર મૌર્યને કરી. જાણ મળતા જ તેઓ સ્થળ પર દોડી આવ્યા અને બાળકીને સુરક્ષિત રીતે કબજામાં લીધી હતી.
ત્યારબાદ તેમણે આ બાબતની જાણ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી. એન. વાઘેલાને કરી. એમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક બાળકીના પરિવારની શોધખોળ શરૂ કરવામાં આવી. ગણતરીના કલાકોમાં બાળકીના માતા-પિતાનો સંપર્ક સાધી લેવાયો. બાળકીનું નામ સાચી કુમારી હોવાનું અને પિતાનું નામ મિથુનકુમાર મંડલ તેમજ માતાનું નામ સીતા કુમારી મંડલ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર શ્રી રામનગર GHB, કનકપુર, સચિન, સુરત ખાતે રહે છે.
સચિન હોમગાર્ડ યુનિટના પ્લાટૂન કમાન્ડર પ્રકાશકુમાર મૌર્યએ બાળકીને કનકપુર ચોકી ખાતે લાવી અને કાયદેસરની કાર્યવાહી બાદ બાળકીને સહી સલામત માતા-પિતા સાથે કલાકોમાં પુનઃ મિલન કરાવ્યું હતું. બાળકી મળતા માતાએ આંસુભરી આંખે સચીન પોલીસ, હોમગાર્ડ ટીમ અને રિક્ષાચાલક દિપકભાઇનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક નાગરિકોએ રિક્ષાચાલક અને હોમગાર્ડના માનવતાભર્યા કાર્યની પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે“આવા જાગૃત નાગરિકો સમાજમાં સાચી સુરક્ષા અને માનવતાનો અહેસાસ કરાવે છે.”