અનુપમ મિશનના પ્રણેતા સંત ભગવંત સાહેબજીને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા D.Lit ની માનદ પદવી એનાયત

અનુપમ મિશનના પ્રણેતા સંત ભગવંત સાહેબજીને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા D.Lit ની માનદ પદવી એનાયત
વેમાર મુકામે સ્થિત અનુપમ મિશન મોગરી પ્રેરિત શ્રી સ્વામિનારાયણ આધ્યાત્મિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક સેવા કેન્દ્ર તથા પાવન અમૃત તીર્થક્ષેત્ર ઉપાસનાધામના પ્રણેતા અને અનુપમ મિશન મોગરીના પ્રતિષ્ઠિત સંત ભગવંત સાહેબજીને તેમના નિસ્વાર્થ અને પરમાર્થી સેવા કાર્યો બદલ ભારતની સુપ્રસિદ્ધ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લેટર્સ (D.Lit) ની માનદ પદવી એનાયત કરવામાં આવી છે.
યુનિવર્સિટીના 68મા દીક્ષાંત સમારોહ દરમિયાન તા. 15 ડિસેમ્બર 2025ના રોજ આ ગૌરવસભર સન્માન ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડૉ. મીનેશ શાહ (ચેરમેન, એન.ડી.ડી.બી., આણંદ), ડૉ. નિરંજન પટેલ (કુલપતિશ્રી, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજ સેવા અને સાહિત્ય ક્ષેત્રે કરાયેલા નોંધપાત્ર અને દીર્ઘકાળીન યોગદાનને બિરદાવવા માટે આ માનદ પદવી ગૌરવશાળી વ્યક્તિત્વને અર્પણ કરવામાં આવે છે, જે સ્વાભાવિક રીતે અતિ મહત્ત્વપૂર્ણ સન્માન ગણાય છે. સંત ભગવંત સાહેબજી દ્વારા કરવામાં આવેલ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને માનવસેવાના કાર્યોની સુવાસ આજે વિશ્વભરમાં વ્યાપી છે અને સૌના હૈયે સ્પર્શી રહી છે.
આ સન્માનના પ્રસંગે વડોદરા પ્રદેશ, કાનમ પ્રદેશ, અંકલેશ્વર પ્રદેશ તથા ઉપાસનાધામ વેમારના અક્ષરમુક્તો અને અનુયાયીઓમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.



