લિંબાયતના વેપારીના ચોખા સહિત અન્યત્રથી લેવાયેલા મરી મસાલાના સેમ્પલો પૈકી કેટલાક ખાવા યોગ્ય નહોતા

લિંબાયતના વેપારીના ચોખા સહિત અન્યત્રથી લેવાયેલા મરી મસાલાના સેમ્પલો પૈકી કેટલાક ખાવા યોગ્ય નહોતા
સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા અનાજ કઠોળના સેમ્પલમાં લિંબાયત વિસ્તારમાં ચોખાનું વેચાણ કરતી એક સંસ્થાના સેમ્પલ ફેઈલ નીકળ્યા છે. આ ઉપરાંત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મરી મસાલા નું વેચાણ કરતી સંસ્થાઓમાંથી પણ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ત્રણ સંસ્થાઓના સેમ્પલો ફેઈલ નીકળતા પાલિકા દ્વારા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો અને સ્ટાફ દ્વારા ગત તારીખ 13/4/2024 થી 16/4/2024 ના સમયગાળા દરમિયાન સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં
અનાજ-કઠોળનું વેચાણ કરતી કુલ ૧૫ સંસ્થાઓમાંથી 17 જેટલા નમુનાઓ લઈ તપાસ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેનું આજરોજ પરિણામ આવતા લિંબાયત વિસ્તારમાં મધુનગર પ્લોટ નંબર 2 ખાતે આવેલ સરદાર ભગતસિંગ ટ્રેડર્સના ચોખાનું સેમ્પલ ફેઈલ નીકળ્યું છે. જેમાં ચોખામાં ચોકી કર્નેલ્સ (chalky kernels) નું પ્રમાણ મહત્તમ પાંચ ટકા હોવું જોઈએ જેના કરતા તપાસમાં વધુ નીકળી આવ્યું હતું.
આ ઉપરાંત આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ગત તારીખ 18/4/2024 ના રોજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રસ્તાઓ પર સ્ટોલ નાખી અને દુકાનોમાં મરી મસાલાનું વેચાણ કરતી 17 સંસ્થાઓમાંથી 19 જેટલા નમૂનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી
આપવામાં આવ્યા હતા. જેમાં ત્રણ મરચાના પાવડરના સેમ્પલ ફેઈલ નીકળ્યા છે.
શહેરના અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર સેન્ટર પોઈન્ટની બાજુમાં, સાગર કોમ્પ્લેક્સની સામે આવેલ જલારામ મસાલા સેન્ટર તથા સરથાણા વિસ્તારમાં ડિમાર્ટની બાજુમાં આવેલ જય બુટ ભવાની મરચા ફાર્મ અને ક્તારગામમાં પંચવટી સોસાયટી પાસે રમણપાર્ક સોસાયટીમાં આવેલ ગુરુકૃપા મસાલામાંથી લેવાયેલા સેમ્પલો ફેઈલ નીકળ્યા છે. જેથી પાલિકા દ્વારા આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગના અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે મરચાના પાવડરમાં ટોટલ ‘એશ’નું પ્રમાણ વધુમાં વધુ આઠ હોવું જોઈએ પરંતુ આ સેમ્પલના ટેસ્ટિંગમાં તેના કરતાં વધારે મળી આવ્યું હતું.
રોડ ઉપર બેસીને વેપાર કરતા મરી અને મસાલામા ઘણું બધુ અપ્રમાણસરનું હતું